કાર્યવાહી@અમદાવાદ: મકાનના ભોંયરામાં ધમધમતી MD ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ, કરોડો રૂપિયાનો કાચો માલ જપ્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં ડ્રગ્સના નેટવર્કને નેસ્તોનાબૂદ કરવા માટે કેન્દ્રીય એજન્સીઓ સતત સક્રિય બની છે. ત્યારે અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા મોહમ્મદી પાર્ક નજીક નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા એક સનસનીખેજ દરોડો પાડવામાં આવ્યો છે. NCB ની ટીમે બાતમીના આધારે એક મકાનમાં તપાસ હાથ ધરી હતી, જ્યાં ભોંયરાની અંદર ગુપ્ત રીતે ચાલતી MD ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ છે. ડ્રગ્સ માફિયાઓ દ્વારા કાયદાની નજરથી બચવા માટે મકાનના ભોંયરાનો ઉપયોગ કરીને આ ગેરકાયદેસર ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી. NCB ની ટીમે દરોડા દરમિયાન સ્થળ પરથી કરોડો રૂપિયાની કિંમતનો ડ્રગ્સ બનાવવાનો કાચો માલ અને મશીનરી જપ્ત કરી છે.
આ પ્રકરણમાં સંડોવાયેલા મુખ્ય મકાન માલિકની NCB દ્વારા અટકાયત કરવામાં આવી છે અને તેની સઘન પૂછપરછ ચાલી રહી છે. તપાસ દરમિયાન એ વાત પણ સામે આવી છે કે પકડાયેલા આરોપી દ્વારા અન્ય કોઈ વ્યવસાયની આડમાં આ નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું. NCB ની ટીમે આરોપીની એક કોફી શોપ પર પણ પહોંચીને ત્યાં પણ સઘન તપાસ શરૂ કરી છે. આ ઇન્ટરસ્ટેટ અને ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટના તાર ક્યાં ક્યાં જોડાયેલા છે તે અંગે એજન્સી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે, અને આગામી સમયમાં આ કેસમાં મોટા ખુલાસા થવાની પૂરી સંભાવના છે.

