કાર્યવાહી@સુરેન્દ્રનગર: વિદેશી દારૂના મોટા કારોબારનો પર્દાફાશ, 2 આરોપીઓની ધરપકડ, 4 વોન્ટેડ
લીંબડી-રાજકોટ હાઇવે પરથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મોટો દરોડો પાડીને વિદેશી દારૂના મોટા કારોબારનો પર્દાફાશ કર્યો છે. SMC ની ટીમે બાતમીના આધારે લીંબડી-રાજકોટ હાઇવે પર આવેલા બલદાણા ગામ નજીક 'જય દ્વારકાધીશ ટી સ્ટોલ' સામેના જાહેર રોડ પર દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન હાઇવે પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.
આ સમગ્ર મામલે વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ કુલ 6 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. રેડ દરમિયાન સ્થળ પરથી હરિયાણાના જોગાસિંહ સુંદરસિંહ ભગીયાના અને નરેશ મદનલાલ શર્માની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે રમેશકુમાર જાટ, દારૂનો જથ્થો મંગાવનાર સ્થાનિક આકાઓ અને ટ્રક માલિક સહિત અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. સ્ટેટ મોનીટરીંગ સેલે ફરાર આરોપીઓ અને સપ્લાયરોને ઝડપી પાડવા માટે આગળની સઘન તપાસ હાથ ધરી છે.

