આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાલનપુર

વૈશ્વિક મહામારી કોરોનાના લોકડાઉનના સમયે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રની મદદથી પાલનપુર હિન્દુ સમાજ સંચાલિત વૃધ્ધાશ્રમની વ્હારે સદભાવના ગ્રુપ આવ્યું છે. કોરોના વૈશ્વિક મહામારી સામે સમગ્ર દેશના લોકો ઝઝુમી રહ્યા છે ત્યારે સરકારની સાથે કદમથી કદમ મિલાવી અનેક સેવાભાવી સંસ્થાઓ જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ બનવા આગળ આવી રહી છે. સદભાવના ગ્રુપ પાલનપુર દ્વારા રૂ. ૧.૧૪ લાખના ખર્ચથી તૈયાર કરાયેલ એક મહિનાની રાશન કીટ બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાગલેના હસ્તે વૃધ્ધાશ્રમના સંચાલકોને એનાયત કરવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાલનપુર આર.ટી.ઓ. સર્કલ નજીક આવેલ હિન્દુ સમાજ સંચાલિત વડીલ વિશ્રાંતિ ગૃહ છેલ્લા ૧૫ વર્ષથી વડીલોને રહેવા-જમવા સહિતની સરસ સુવિધા પુરી પાડે છે. આ વૃધ્ધાશ્રમમાં બનાસકાંઠા જિલ્લા કરતાં બહારના જિલ્લાઓ અને રાજ્ય બહારના દેશભરમાંથી આવેલા ઘણા વડીલો નિવાસ કરે છે. બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાગલેએ આ વૃધ્ધાશ્રમના વડીલોને મળી તેમના ખબર અંતર પુછી વાતચીત કરતાં જણાવ્યું કે, સામાન્ય દિવસોમાં આ વૃધ્ધાશ્રમ લોકોના દાનની સરવાણી ચાલે છે. ઘણા લોકો પોતાના ઘરે શુભ પ્રસંગે હોય ત્યારે તેમજ પોતાના સ્વજનોના જન્મદિન નિમિતે વૃધાશ્રમમાં રહેતા વડીલોને જમાડતા હોય છે.

અત્યારે કોરોના મહામારીમાં વડીલોની સુરક્ષા માટે આશ્રમની અંદર બહારના કોઇ વ્યક્તિ આવી શકતા નથી તેથી દાતાઓ અને લોકો પણ આવી શકતા નથી. એટલે વૃધ્ધાશ્રમમાં રાશન અને જીવનજરૂરીયાતની વસ્તુઓ અને કરીયાણું વગેરે ખુટી ગયું હતું. તેવા સમયમાં વૃધ્ધાશ્રમમાંથી પાલનપુર પ્રાંત અધિકારીશ્રી શિવરાજ ગિલવા પર ફોન આવ્યો કે જિલ્લા વહીવટી તંત્ર બધા લોકોની મદદ કરે છે. લોકોને રાશન કીટ આપે છે તો અમારા વૃધ્ધાશ્રમમાં રહેતા ૮૮ વડીલો અને સ્ટાફ એમ મળી કુલ-૯૫ માણસો માટે રાશનની કંઇક વ્યવસ્થા કરો.

પાલનપુરના ઉત્સાહી પ્રાંત અધિકારી શિવરાજ ગિલવાએ પાલનપુરના સેવાભાવી યુવાન અને સદભાવના ગ્રુપના ચેરમેન હરેશભાઇ ચૌધરીને આ વડીલો માટે એક મહિનાનું રાશન અને કરીયાણું આપવાની વાત કરી. સદભાવના ગ્રુપના ચેરમેન હરેશભાઇ ચૌધરી અને તેમના યુવામિત્રોએ તા. ૯ એપ્રિલના રોજ વડીલ વિશ્રાંતિ ગૃહના મેનેજર ચંદ્રકાંત જોષીનો સંપર્ક કરી જરૂરિયાત મુજબની વસ્તુઓની યાદી મેળવી લીધી અને આજે તા. ૧૦ એપ્રિલના રોજ એક મહિના સુધી ૧૦૦ માણસોને ચાલે એટલું બે ટાઇમનું ભોજન અને ૨ ટાઇમ ચા-નાસ્તો, એટલું કરિયાણું વૃધ્ધાશ્રમમાં કલેકટરના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેકટર સંદીપ સાગલેએ સદભાવના ગ્રુપના ચેરમેન હરેશભાઇ ચૌધરી અને તેમની ટીમને અભિનંદન પાઠવી તેમની સેવાને બિરદાવી હતી. આ પ્રસંગે વૃધ્ધાશ્રમના પ્રમુખ ર્ડા. ઉમાકાંત પંડ્યા, મંત્રી પ્રકાશભાઈ ગાંધી, જિલ્લા પંચાયત સભ્ય અશ્વિન સક્સેના, દિનેશભાઇ પટેલ સહિત અગ્રણીઓ અને વડીલો ઉપસ્થિતિ રહ્યા હતાં.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code