પર્દાફાશ@સુરત: બેંક ખાતા ખોલાવીને દેશવિદેશમાં ભાડે આપવાનું કૌભાંડ, બે ધરપકડ

 
સુરત
ઓનલાઇન ગેમિંગ માટે ઉપયોગ કરવા ભાડે આપતા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતમાં કલ્પના પણ ન કરી શકાય એવા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં બેંકમાં ખાતું ખોલાવીને કમિશન આપવાની લાલચ આપીને બે ભેજાબાજ અવનીત ઠુમ્મર અને આયુષ વસોયા બેંકમાં ખાતું ખોલાવતા હતા, અને આ બેંક ખાતાનો તેઓ લોકોને ઓનલાઇન ગેમિંગ માટે ઉપયોગ કરવા ભાડે આપતા હતા. આ કૌભાંડ માત્ર સુરત પૂરતું જ નહીં પરંતુ આ બેંક ખાતાનો ઉપયોગ દુબઇ થી પણ કરવામાં આવતો હતો, જેમાં સાયબર ફ્રોડ અંગે તપાસ કરતી કાપોદ્રા પોલીસને સફળતા હાથ લાગી હતી. અને પોલીસે અવનીત ઠુમ્મર અને આયુષ વસોયાની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં આરોપીઓની કારમાંથી પોલીસને જુદી જુદી વ્યક્તિઓના પાન કાર્ડ,આધાર કાર્ડ સહિતના બેંક ખાતું ખોલાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા, તેમજ જુદી જુદી બેંકની ચેક બુક સહિતના દસ્તાવેજો પણ પોલીસે કબ્જે કર્યા હતા. પોલીસ તપાસમાં આરોપીઓ બેંકમાં ખાતું ખોલવા સામે ડોક્યુમેન્ટ આપનારને કમિશન આપતા હતા અને આ બેંક ખાતું ભાડે આપીને કમિશન પણ મેળવતા હતા. હાલ બંનેની ધરપકડ કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.