પર્દાફાશ@કલોલ: નકલી MRF માર્કાની ટ્યૂબ્સનું કૌભાંડ ઝડપાયુ, 5 સામે ફરીયાદ

અટલ સમાચાર,ગાંધીનગર
ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાની રકનપુર જીઆઇડીસીમાં એમઆરએફ કંપનીના માર્કા સાથે ટાયરની નકલી ટ્યુબ બનાવીને કંપનીના માર્કાવાળા પાઉચમાં પેકિંગ કરી વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સમગ્ર કેસમાં મહેસાણાના 3 સહિત પાંચ શખ્સો સામે કંપનીના કોપીરાઇટ અને ટ્રેડમાર્કનો ભંગ કરી રૂ.8.90 લાખની છેતરપિંડી અંગેની ફરિયાદ સાંતેજ પોલીસમાં નોંધાઇ છે.
ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાની રકનપુર જીઆઇડીસીમાં નકલી MRF માર્કાની ટ્યૂબ્સનું કૌભાંડ ઝડપાયુ છે. એમઆરએફ કંપનીના નામે નકલી માલ શોધવાની કામગીરી નોઇડાની એક્કેનાઇ મેનેજમેન્ટ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડને સોંપી દીધી હતી. આ દરમિયાન તપાસ ટીમે કલોલ તાલુકાના રકનપુર જીઆઇડીસીમાં અલગ અલગ જગ્યાએ એમઆરએફ કંપનીના કોપીરાઇટ અને ટ્રેડમાર્કાનો ભંગ કરીને નકલી ટ્યુબ બનાવીને કંપનીના માર્કાવાળા પાઉચમાં પેકિંગ કરીને વેચાણ કરતા હોવાનું શોધી કાઢ્યું હતું.
અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો
સુત્રોએ જણાવ્યુ હતુ કે, સાંતેજ પોલીસને સાથે રાખીને રેડ પાડતા રકનપુર જીઆઇડીસીમાં ગણેશ પોલીમર્સ અને ક્રિષ્ના એસ્ટેટમાંથી કંપનીના માર્કાવાળા રૂપિયા 5.50 લાખના 1.83 લાખ પાઉચ, રૂપિયા 2.10 લાખ કિંમતની 2100 નંગ ટાયરની ટ્યુબ, રૂપિયા 1.20 લાખ કિંમતની એમઆરએફ માર્કાવાળી ચાર લોખંડની ડાઇ, રૂપિયા 10 હજારનું પાઉચ પેકિંગનું મશીન સહિત કુલ રૂપિયા 8.90 લાખનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો.