પાટણ: વિચરતી જાતિ જનસમુદાયના પ્રતિનિધીઓ તથા અધિકારીઓની બેઠક યોજાઈ

અટલ સમાચાર, પાટણ પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર આનંદકુમાર પટેલની અઘ્યક્ષતામાં વિચરતી જાતિના પેન્ડિગ પ્રશ્નો બાબતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં સંલગ્ન વિભાગના અધિકારીઓને વિચરતી જાતિના પ્રશ્નોના નિકાલ બાબતે સમીક્ષા કરી તેનો ઝડપથી નિકાલ લાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. વિચરતી વિમુક્ત જાતિના જનસમુદાયને જીવન જરૂરી સવલતો મળી રહે તથા તેમનું જીવન ધોરણ ઉંચુ
 
પાટણ: વિચરતી જાતિ જનસમુદાયના પ્રતિનિધીઓ તથા અધિકારીઓની બેઠક યોજાઈ
અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર આનંદકુમાર પટેલની અઘ્યક્ષતામાં વિચરતી જાતિના પેન્ડિગ પ્રશ્નો બાબતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં સંલગ્ન વિભાગના અધિકારીઓને વિચરતી જાતિના પ્રશ્નોના નિકાલ બાબતે સમીક્ષા કરી તેનો ઝડપથી નિકાલ લાવવા સૂચનાઓ આપવામાં આવી હતી.

વિચરતી વિમુક્ત જાતિના જનસમુદાયને જીવન જરૂરી સવલતો મળી રહે તથા તેમનું જીવન ધોરણ ઉંચુ આવે તે માટે કલેક્ટર કચેરી ખાતે મળેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા ઝુંબેશ રૂપે કાર્યવાહી કરી આ સમુદાયના લોકોના પ્રશ્નોનું ઝડપથી નિવારણ લાવવા અધિકારીઓને અપીલ કરી હતી. બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓએ અગાઉ મળેલ બેઠક બાદ કરવામાં આવેલી કામગીરી તથા વિચરતી જાતિના સમુદાયના લોકોને આપવામાં આવેલ લાભોની વિગતો રજુ કરી હતી.

જિલ્લાના તમામ તાલુકાઓમાં વિવિધ ગામોમાં વસવાટ કરતાં વિચરતી જાતીના સમુદાય પૈકી અધિકારીઓએ હારીજ તાલુકાના વાંસફોડા તથા બજાણીયા રાવળ સમુદાયના લાભાર્થીઓને ઈસ્યુ કરવામાં આવેલા રેશનકાર્ડ અને મતદાર કાર્ડ તથા તેમને પ્લોટની ફાળવણી અંગે મંગાવવામાં આવેલી 150 જેટલી દરખાસ્તો અને તેની કાર્યવાહી પ્રગતિમાં હોવાની વિગતો રજૂ કરી હતી. આ ઉપરાંત ચાણસ્મા તાલુકામાં10 અને સિદ્ધપુર તાલુકાના 87 પ્લોટની માપણી  કરવા કલેક્ટરે સૂચના આપી હતી. આગામી દિવસોમાં સિધ્ધપુરમાં નટ-દેવીપૂજક, કાકોસીમાં ભરથરી, સરસ્વતી તાલુકાના કોઇટા, વાગદોડ, વડુ, મુના અને ચાણસ્મા તાલુકા કંબોઈ, મીઠાધરવા, હારીજ તાલુકામાં હારીજ અને પાટણ તાલુકામાં પાટણ તથા સમી તાલુકાના સમી અને અમરાપુરમાં રહેતા વિચરતી જાતિના લોકોની પ્લોટની દરખાસ્ત તૈયાર કરવા માટે અને ગામતળ નિમ કરવા અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

પાટણ: વિચરતી જાતિ જનસમુદાયના પ્રતિનિધીઓ તથા અધિકારીઓની બેઠક યોજાઈ

સમી તથા શંખેશ્વર તાલુકાના ડફેર તથા રાવળ સમુદાયના લાભાર્થીઓને રેશનકાર્ડ, રસ્તા અને ગટર તથા ભરથરી, સરાણીયા, દેવીપૂજક તથા વાદી સમુદાયને નવીન પ્લોટ ફાળવણી અંગે ચાલી રહેલી કાર્યવાહી અંગે માહિતી મેળવી જિલ્લા કલેક્ટરે પ્લોટ ફાળવણી અંગેના નિયમો, ગ્રાન્ટ અને કાર્યવાહી સહિતનું માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.

પાટણ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા વિચરતી વિમુક્ત જાતિના જનસમુદાયની આર્થિક પરિસ્થિતીને ધ્યાનમાં લઈ આ પરિવારોને પોતાનું ઘર, રેશનકાર્ડ, આધાર કાર્ડ જેવી જીવન જરૂરી સગવડો મળી રહે તે માટે વહિવટી તંત્રને ખાસ ઝુંબેશ દ્વારા તેમના પડતર પ્રશ્નોનો ઝડપથી નિકાલ લાવવા અનુરોધ કર્યો હતો. સામાજીક, શૈક્ષણીક અને આર્થિક રીતે પછાત એવા વિચરતી જાતીના પરિવારો સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી ગરીમાપૂર્ણ જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે ત્યારે જિલ્લા વહિવટી તંત્રને આ પરિવારો પ્રત્યે સંવેદના દાખવી તેમની આરોગ્ય, શિક્ષણ, રહેણાંક સહિતની જરૂરિયાતો અને રજૂઆતો પરત્વે પૂરતું ધ્યાન આપી તેમના પડતર પ્રશ્નોનો નિકાલ લાવવાની કાર્યવાહી હાથ ધરવા જરૂરી સુચનો કર્યા હતા.

આ પરિવારો સરકારની કોઈ પણ પ્રકારની યોજનાઓથી વંચિત ન રહી જાય તે માટે માનવતાસભર સંવેદના દાખવી સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવે તો જ સર્વાંગી વિકાસ સાધી શકાય તેવા અભિગમ સાથે જિલ્લા કલેક્ટરે વિચરતા સમુદાય સમર્થન મંચના વિભાગીય સંયોજક મોહનભાઈ બજાણિયા દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો સાંભળી તેના ત્વરિત નિકાલ માટે ખાતરી આપી હતી. બેઠકમાં ઉપસ્થિત વિચરતી જાતી જનસમુદાયના લોકોએ તેમને મળી રહેલી સહાય માટે જિલ્લા કલેક્ટર તથા વહિવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર બી.જી.પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.એલ.પરમાર, સમી પ્રાંત અધિકારી રીટાબેન પંડ્યા, હારીજ પ્રાંત અધિકારી ડૉ.રીનાબેન ચૌધરી, પાટણ પ્રાંત અધિકારી ડી.બી.ટાંક, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ તથા સબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.