પાટણઃ યુનિવર્સિટીની પરીક્ષાઓ સંદર્ભે ૨૦૦ મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ પર પ્રતિબંધ

અટલ સમાચાર, પાટણ
પાટણના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.જી.પ્રજાપતિએ પાટણ જિલ્લામાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા તા. ૨૨.૦૩.૧૯ થી તા. ૨૬.૦૪.૧૯ દરમ્યાન વિવિધ પરીક્ષાઓ પાટણ જિલ્લાના કેન્દ્રોમાં લેવાનાર છે. પાટણ જિલ્લામાં આવેલ પરીક્ષા કેન્દ્રો ઉપર લેવાનારી યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓનું પાલન સ્વાભાવિક રીતે સરળતાથી થાય તે જરૂરી છે. ઝેરોક્ષની દુકાન તથા સ્કેનની સુવિધા ધરાવતા હોય તેવા કોમ્પ્યુટર સેન્ટર ઉપર પરીક્ષાલક્ષી સાહિત્યની નકલ થવાથી અને તે સાહિત્ય પરીક્ષા કેન્દ્રોમાં મોકલવાની પ્રવૃત્તિથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે વિકટ પ્રશ્ન ઉપસ્થિત થતો હોઇ જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નજરે પરીક્ષા દરમ્યાન ઝેરોક્ષ દુકાનો તથા સ્કેનની સુવિધા ધરાવતા તમામ કોમ્પ્યુટર સેન્ટર પરીક્ષાલક્ષી સાહિત્યની નકલો કાઢવાની અનધિકૃત કૃત્ય અટકાવવા કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ ૧૪૪ મુજબ પગલાં લેવા માટે પુરતું કારણ છે.
કેન્દ્રો પર પરીક્ષામાં ઉપયોગમાં લેવાનાર તમામ મકાનો તથા તેના કમ્પાઉન્ડની આજુબાજુ ૨૦૦ મીટરના વિસ્તારમાં આવેલ તમામ ઝેરોક્ષ દુકાનો તથા સ્કેનિંગની સુવિધા ધરાવતા તમામ કોમ્પ્યુટર સેન્ટરોમાં સદર પરીક્ષામાં મદદરૂપ થાય તેવું કોઈપણ સાહિત્યને ઝેરોક્ષ નકલ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે તે મુજબ કાર્યવાહી કરવી જરૂરી છે. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૧૪૪ મુજબ તા. ૨૨.૦૩.૧૯ થી તા. ૨૬.૦૪.૧૯ દરમ્યાન સવારે ૧૦.૦૦ થી સાંજના ૬.૦૦ કલાક સુધી પરીક્ષા માટેના કેન્દ્રોવાળા ગામ/શહેર વિસ્તારમાં નીચે મુજબ પ્રતિબંધ ફરમાવાયો છે.
પાટણ જિલ્લાનાં ઉપરોક્ત પરીક્ષાના કેન્દ્રવાળા ગામ/શહેર વિસ્તારમાં આવેલ તમામ ઝેરોક્ષ દુકાનો તથા સ્કેનીંગની સુવિધા ધરાવતા તમામ કોમ્પ્યુટર સેન્ટરો ઉપર ઉપરોક્ત તારીખોએ સવારે ૧૦.૦૦ કલાકથી સાંજના ૬.૦૦ કલાક સુધી ખુલ્લા રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. પરીક્ષામાં ગેરરીતિ માટે મદદરૂપ થાય તેવું તેમજ પરીક્ષાલક્ષી સાહિત્ય તથા મોબાઇલ જેવાં વિજાણું ઉપકરણો પરીક્ષાખંડમાં તેમજ કેન્દ્રમાંથી બહાર લઈ જવા તેમ જ બહારથી પરીક્ષા કેન્દ્રમાં કે ખંડમાં લાવવા પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. સદરહું હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમની કલમ ૧૮૮ શિક્ષાને પાત્ર થશે.