આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને આજીવન શિક્ષક ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મતિથીની દેશભરમાં શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હૉલ ખાતે શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મૅનેજમેન્ટ અને યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપકુમાર ઠાકોરની અધ્યક્ષતામાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રમ અને રોજગારમંત્રી દિલીપકુમાર ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ તથા જિલ્લા કલેક્ટર આનંદકુમાર પટેલ દ્વારા પાટણ જિલ્લા અને તાલુકા કક્ષાના ૦૫ જેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અર્પણ કરી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને સ્મરણાંજલી પાઠવવામાં આવી હતી. સાથે સાથે જિલ્લાના ૭૫ ટકાથી વધુ ગુણ મેળવી ટૉપર રહેલા ૧૦ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને બેજ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા.

 

આ પ્રસંગે પ્રાસંગીક ઉદ્બોધન કરતાં શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, ડગલેને પગલે શિક્ષિત વ્યક્તિની જરૂરિયાતનો આ યુગ છે. જ્ઞાન અને માહિતી હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ બની છે ત્યારે તેનો ઉપયોગ કરવા શિક્ષણ અતિ મહત્વનું છે. શિક્ષકોએ મૂલ્યવર્ધિત શિક્ષણની સાથે સામાજીક જવાબદારીનું નિર્વહન કરી સુશિક્ષિત સમાજનો પ્રકલ્પ સાકાર કર્યો છે. વિદ્યાર્થીકાળથી જ નૈતિકતા, કૌશલ્યો અને વિઝન સાથે શિક્ષણ પામેલા વિદ્યાર્થીઓ તૈયાર કરી સશક્ત રાષ્ટ્રના નિર્માણના પાયમાં શિક્ષકોનું મહત્વનું યોગદાન રહ્યું છે.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આનંદકુમાર પટેલે જણાવ્યું હતું કે,ભારતવર્ષના મહાન આચાર્ય ચાણક્યએ કહ્યું હતું કે, વિનાશ અને સર્જન શિક્ષકના ખોળામાં ઉછરે છે. શિક્ષકની મહાનતા દર્શાવવા સાથે તેમાં શિક્ષકની જવાબદારી તરફ તેમનો અંગુલીનિર્દેશ હતો. શિક્ષક ગુરૂનું પદ છોડશે ત્યારે સમાજ અધોગતી કરશે.શિક્ષકોએ પ્રોફેશનલીઝમ છોડી વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ અને નૈતિકતાના પાઠ ભણાવવા પડશે. પારિતોષિક મેળવનાર શિક્ષકોને અભિનંદન પાઠવતાં જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, કોઈ વિદ્યાર્થીની સફળતા એ જ શિક્ષક માટે સૌથી મોટું પારિતોષિક છે.

શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં જિલ્લા કક્ષાએ શિક્ષક રાજગોપાલ ઉદયનભાઈ મહારાજા, સુરેશભાઈ સાંકાભાઈ દેસાઈ, નેહાકુમારી પોપટલાલ પટેલ, ઉમેદભાઈ ખેતાભાઈ પ્રજાપતિ તથા તાલુકા કક્ષાએ બાબુભાઈ નાગજીભાઈ દેસાઈને મહાનુભાવોના હસ્તે પુરસ્કાર સ્વરૂપે રોકડ રકમનો ચેકતથા પ્રશસ્તિપત્ર આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે ૭૫ ટકાથી વધુ પરિણામ મેળવનાર જિલ્લાના ૮૬૬ વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાના ટૉપ ૧૦ વિદ્યાર્થીઓને બેજ તથા પ્રમાણપત્ર આપી મહાનુભાવો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્યથી શરૂ થયેલા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણાધિકારી એ.પી. ઝાલા તથા આભારવિધી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એ. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહાનુભાવોને પુષ્પગુચ્છની સાથે મોમેન્ટો સ્વરૂપે શ્રીમદ્ ભગવત્ ગીતા અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારિતોષિક મેળવનાર શિક્ષકોએ શિક્ષણ સાથે સંકળાયેલા પોતાના અનુભવો-પ્રતિભાવો રજૂ કર્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય ડૉ. બળવંતભાઈ ચૌધરી, જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ, પંચાયત સિંચાઈ શાખાના કાર્યપાલક ઈજનેર ટી.એ.શ્રોફ, વિવિધ શિક્ષણસંઘના હોદ્દેદારો-પ્રતિનિધીઓ, શાળાના આચાર્યઓ, શિક્ષકો, શિક્ષણ વિભાગના અન્ય અધિકારી-કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code