સમી તાલુકાની સેવા સહકારી મંડળીમાંથી 2.50 કરોડની ઉચાપત મામલે ફરિયાદ

અટલ સમાચાર, પાટણ પાટણ જિલ્લાના સમી તાલુકાની નાની ચંદુર સેવા સહકારી મંડળીમાં ગત વર્ષ 2015થી 2018 દરમિયાનના ઓડીટ બાદ ઉચાપત થયાનું સામે આવ્યું હતું. જેમાં વધુ તપાસને અંતે મંડળીના મંત્રી કાન્તીલાલ અંબારામ સચ્ચદે દ્વારા ધિરાણ પ્રવૃત્તિ માટે ખોટુ રેકર્ડ ઉભું કરી રુ.2 કરોડ 39 લાખની ઉચાપત થઈ હોવાનું બહાર આવતા ઉત્તર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો
 
સમી તાલુકાની સેવા સહકારી મંડળીમાંથી 2.50 કરોડની ઉચાપત મામલે ફરિયાદ

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લાના સમી તાલુકાની નાની ચંદુર સેવા સહકારી મંડળીમાં ગત વર્ષ 2015થી 2018 દરમિયાનના ઓડીટ બાદ ઉચાપત થયાનું સામે આવ્યું હતું. જેમાં વધુ તપાસને અંતે મંડળીના મંત્રી કાન્તીલાલ અંબારામ સચ્ચદે દ્વારા ધિરાણ પ્રવૃત્તિ માટે ખોટુ રેકર્ડ ઉભું કરી રુ.2 કરોડ 39 લાખની ઉચાપત થઈ હોવાનું બહાર આવતા ઉત્તર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો હતો. આ સાથે મંડળીની બંધ સીલક રુ.10 લાખનો પણ અંગત કામે ઉપયોગ કરતા મંડળીને ભારે નુકશાન પહોંચ્યું છે. જે મામલે જિલ્લા રજીસ્ટ્રાર કચેરી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરતા આખરે મંડળીના પ્રમુખે 2.50 કરોડની ઉચાપતના આરોપી મંત્રી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

સમી તાલુકાની ધી નાનીચંદુર સેવા સહકારી મંડળીના મંત્રી કાન્તીલાલ સચ્ચદે એ તા.1-4-2015થી 31-3-2018 સુધીમાં કેટલાક બનાવટી ધિરાણ કર્યા હતા. જે મામલે મંડળીના સભાસદો સહિત ગામલોકોને પોતાના નામે અન્ય કોઈએ પોતાની જમીન ઉપર બોજો કરાવી ધિરાણ લઈ લીધાનું સામે આવતા  પગ તળેથી જમીન ખસી ગઈ હતી.  ગામલોકો અને સભાસદોએ મંડળીમાં અને રજીસ્ટ્રાર કચેરીમાં રજૂઆત કરી પોતાના નામે ખોટુ ધિરાણ ઉપડી ગયાનું ધ્યાને લાવ્યા હતા. જેની તપાસ કરતા મંડળીના મંત્રીએ 1 કરોડ 70 લાખની નાણાકીય ઉચાપત અને 68 લાખ 84 હજારની વ્યાજ રકમ સહિત કુલ 2 કરોડ 39 લાખની ઉચાપત કર્યાનું પકડાયું હતું. કુલ 85 સભાસદોના ખોટા દસ્તાવેજો ઉભા કરી ધિરાણ કરવા સાથે મંડળીની જમા સીલક  રુ. 10 લાખ 48 હજાર સહિત 2 કરોડ 49 લાખની નાણાકીય ઉચાપત કર્યાનું મંત્રીએ સ્વીકારતા સમી પોલીસ સ્ટેશને મંડળીના પ્રમુખ ઠાકોર રામસંગજી ભાવસંગજીએ ફરિયાદ દાખલ કરાવી છે.