પાટણઃ જિલ્લા પંચાયતના કર્મચારીઓ દ્વારા 25 યુનિટ રક્તદાન કરાયું
પાટણઃ જિલ્લા પંચાયતના કર્મચારીઓ દ્વારા 25 યુનિટ રક્તદાન કરાયું

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લા પંચાયતના કર્મચારીઓના ગૃપમાં એક મેસેજ આવે છે, રક્તદાન કરવા માટે. જોત જોતામાં એક સાથે ૨૫ જેટલા કર્મયોગીઓ રક્તદાન માટે તૈયાર થઈ ગયા. કોરોના વાયરસ મહામારી સામે લડી રહેલા પાટણ જિલ્લા પંચાયતના કોરોના વોરિયર્સ પોતાની ફરજપરસ્તી સાથે નિભાવી રહ્યા છે પોતાનું માનવ સહજ કર્તવ્ય.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શહેરની એકમાત્ર બ્લડબેંકમાં રક્તની અછત ઉભી થતાં રૉટરી ક્લબ ઑફ પાટણ દ્વારા અખબારના માધ્યમથી જાહેર જનતાને રક્તદાન માટે અપીલ કરવામાં આવી. સ્વૈચ્છીક રક્તદાન માટેની આ અપીલ ધ્યાને આવતાં નાયબ ચીટનીશ તરીકે ફરજ બજાવતાં જીગરભાઈ પટેલે બ્લડબેંકમાં ફોન કરી રક્તદાન માટે તૈયારી બતાવી અને સાથે જ કર્મચારીઓના ગૃપમાં રક્તદાન કરવા માટે મેસેજ પણ કર્યો. જોતજોતામાં ૨૫ જેટલા કર્મચારીઓએ રક્તદાન માટેની તૈયારી દર્શાવી.

જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખે કર્મયોગીઓને બિરદાવતાં જણાવ્યું કે, લોકડાઉનના કારણે બ્લડબેંકમાં ઉભી થયેલી બ્લડની અછતને પહોંચી વળવા જિલ્લા પંચાયત કર્મચારી મંડળ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું. કોરોના વોરિયર્સ તરીકે મહામારી સામે લડવા સાથે રક્તદાન કરી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાની આ કર્મયોગીઓની ભાવના ખરેખર ઉમદા અને સરાહનીય છે.

બ્લડબેંક દ્વારા પણ કર્મયોગીઓનો આ પ્રતિસાદ જોઈ જિલ્લા પંચાયત ભવન ખાતે જ નાનકડો રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો. સોશિયલ ડિસ્ટન્સ અને ફેસ માસ્ક જેવી પૂરતી તકેદારી સાથે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં યોજાયેલા આ બ્લડ ડૉનેશન કેમ્પમાં કર્મચારીઓને પ્રેરણા પૂરી પાડવા જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલે રક્તદાન કરવાથી શરૂઆત કરી. ત્યારબાદ પાટણ જિલ્લા પંચાયત કર્મચારી મંડળના કર્મચારીઓએ સ્વેચ્છાએ રક્તદાન કરી બ્લડ ડૉનેશન કેમ્પને સફળ બનાવ્યો.

કોરોના વાયરસ અંતર્ગત આપવામાં આવેલા લોકડાઉનના પરીણામે બ્લડબેંક દ્વારા રક્તદાન શિબિરો યોજી શકાઈ નહીં. જરૂરિયાતમંદ લોકોને કોઈપણ જાતના રિપ્લેસમેન્ટ વગર નજીવા ચાર્જીસ પર આપવામાં આવેલા રક્તના કારણે શહેરની એકમાત્ર એસ.કે.બ્લડ બેંકમાં રક્તની અછત ઉભી થઈ. રક્તદાન કરવા ઈચ્છુક વ્યક્તિઓને બ્લડ બેંકનો સંપર્ક કરવા અખબારના માધ્યમથી અપીલ કરવામાં આવી. માત્ર એક જ અઠવાડિયામાં શહેરના વિવિધ રક્તદાતાઓ દ્વારા બ્લડબેંકમાં ૧૫૦થી વધુ યુનિટ બ્લડ ડૉનેટ કરવામાં આવ્યું.

રૉટરી ક્લબ ઑફ પાટણ દ્વારા કરવામાં આવેલી અપીલને પગલે એકસાથે ૨૫ યુનિટ બ્લડનો સ્ટોક કરી આપનાર જિલ્લા પંચાયતના કર્મચારીઓએ અગાઉ ફાળો એકત્ર કરી જરૂરિયાતમંદ લોકોને રાશનકીટનું વિતરણ પણ કર્યુ હતું. રાજ્ય સરકારના આ કર્મયોગીઓ હાલ કોરોના મહામારીને નાથવા અહર્નિશ ફરજ પણ બજાવી રહ્યા છે અને સાથે સાથે જરૂરિયાતમંદ લોકોને પોતાના યોગદાનથી મદદરૂપ પણ થઈ રહ્યા છે.