પાટણઃ જાહેરનામાના ભંગ બદલ, 37 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ
પાટણઃ જાહેરનામાના ભંગ બદલ, 37 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ

અટલ સમાચાર, પાટણ

લોકડાઉનના સમયમાં કોઈપણ અધિકૃત અધિકારીની પરવાનગી વગર રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી રાધનપુર અને સાંતલપુર તાલુકામાં પ્રવેશેલા ૩૭ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તા.૧૫ એપ્રિલ બાદ જિલ્લામાં અનધિકૃત રીતે પ્રવેશનાર તથા જાહેરનામાનો ભંગ કરનાર તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવેલા આદેશના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા સમગ્ર દેશમાં અમલી લોકડાઉનના સુચારૂ અમલ માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સમયાંતરે જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જેમાં કોઈપણ અધિકૃત અધિકારીની પરવાનગી વગર જિલ્લાની સરહદ ઓળંગવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરી સાંતલપુર તાલુકામાં અનધિકૃત રીતે પ્રવેશ કરનાર ૨૪ શખ્સો તથા રાધનપુર તાલુકામાં અનધિકૃત રીતે પ્રવેશ કરનાર ૧૩ શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સાંતલપુર તાલુકામાં પ્રવેશેલા ૨૪ શખ્સો પૈકી અમદાવાદ જિલ્લામાંથી ૧૮, બનાસકાંઠા જિલ્લામાંથી ૧, સુરેન્દ્રનગર જિલ્લામાંથી ૨, કચ્છ જિલ્લામાંથી ૨ અને રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી આવેલા ૧ શખ્સનો સમાવેશ થાય છે. જ્યારે રાધનપુર તાલુકામાં પ્રવેશેલા ૧૩ શખ્સો પૈકી અમદાવાદ જિલ્લામાંથી ૭, રાજકોટ જિલ્લામાંથી ૧, સુરેન્દ્રનગર જિલ્લામાંથી ૦૪ અને કચ્છ જિલ્લામાંથી પ્રવેશેલા ૧ વ્યક્તિનો સમાવેશ થાય છે. અનધિકૃત રીતે જિલ્લામાં પ્રવેશેલા લોકો થકી શંકાસ્પદ કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓ ટાળવા જિલ્લા બહારથી પ્રવેશેલા આ તમામ ૩૭ વ્યક્તિઓને સરકારી કોરોન્ટાઈન ફેસિલિટીમાં રાખવામાં આવ્યા છે.