પાટણઃ જાહેર, ખાનગી મકાનો, સાઇન બોર્ડ પર ચૂંટણીલક્ષી પ્રચાર પ્રતિબંધ
પાટણઃ જાહેર, ખાનગી મકાનો, સાઇન બોર્ડ પર ચૂંટણીલક્ષી પ્રચાર પ્રતિબંધ

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલે જિલ્લામાં ચૂંટણીલક્ષી પ્રચાર માટે જાહેર-ખાનગી મકાનો, સાઇન બોર્ડનો ઉપયોગ કરવા સામે મનાઇ ફરમાવી છે. જિલ્લામાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ની મતદાનની તા.૨3-4-2019 નક્કી કરવામાં આવેલ છે. તેમજ મતગણતરીની તા.૨૩-5-2019 નક્કી કરવામાં આવી છે.

આ ચૂંટણી પ્રચાર દરમ્‍યાન જિલ્લાના ગ્રામિણ કે શહેરી વિસ્‍તારોમાં આવેલા જાહેર મકાનો, ખાનગી મકાનો, માર્ગ, સાઇન બોર્ડ, માઇલ પથ્‍થરો, વિગેરેનો ચૂંટણી પ્રચારના કામે નિરંકુશ ઉપયોગ કરી જે તે સ્‍થળની શોભા બગાડી સુરૂચીનો ભંગ થાય તેવી શકયતાને અનુસરી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૧)(છ) થી જિલ્લાના શહેરી તથા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં તા.૧૧/૦૩/20૧૯ થી તા.૨૭/૦૫/20૧૯ સુધી જિલ્લામાં આવેલ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ધાર્મિક સંસ્થાઓના પરિસરમાં કે તેની આસપાસના વિસ્તારમાં કોઇ ઉમેદવાર, સંગઠન, સંસ્‍થા અથવા પક્ષ કે તેના અનુયાયીઓ, કાર્યકરો, સમર્થકો કે હમદર્દએ ચૂંટણી પ્રચાર ઝુંબેશ દરમ્યાન પોસ્‍ટર ચોંટાડવા, ચિત્રો લખવા, પ્રતિક ચીતરવા, ધ્‍વજદંડ ઉભા કરવા, સુત્રો લખવા, પતાકા લટકાવવા, નોટીસો ચોંટાડવા કે પ્રદર્શિત કરી શકાશે નહીં. જેનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૫(૧) મુજબ શિક્ષાને પાત્ર થશે. પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી સબંધિત મામલતદારએ કરવાની રહેશે, તેમ જાહેરનામામાં જણાવાયું છે.