આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાટણ

કર્મ અને કર્તવ્યનો બોધ કોઈ સાધુ-મહાત્મા જ આપી શકે તેવુ નથી. સમાજમાં એવા અનેક લોકો છે જે પોતાના કામની સાથે સાથે નાગરીક તરીકેની ફરજ પણ બખુબી નિભાવી રહ્યા છે. તેમાંય કોરોના વાયરસ મહામારી સમયે પોલીસ અને આરોગ્ય વિભાગ સહિતના સરકારી કર્મચારીઓ અહર્નિશ કાર્યરત છે ત્યારે વર્ગ-૪ના એક કર્મયોગીએ પોતાના કામની સાથે કર્તવ્યનું પાલનનું ઉમદા ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ કર્મયોગી એટલે ઉદયકુમાર શેઠ. છેલ્લા ૩૩ વર્ષથી સરકારી સેવામાં જોડાયેલા ઉદયભાઈ આરોગ્ય વિભાગમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવે છે. આગામી તા.૩૦ એપ્રિલના રોજ સેવાનિવૃત થઈ રહેલા ઉદયભાઈએ પોતાનો છેલ્લો પગાર કોરોના વોરિયર્સ માટે આપવાનું નક્કી કર્યું. ઉદયભાઈએ મુખ્યમંત્રી રાહતનિધિમાં પોતાનું યોગદાન આપતાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલને રૂ.૨૫,૦૦૦/- નો ચેક અર્પણ કર્યો. કલેક્ટર આનંદ પટેલે ઉદયભાઈ દ્વારા મુખ્યમંત્રી રાહતનિધિમાં આપવામાં આવેલા યોગદાન બદલ તેમની ઉદાર ભાવનાની પ્રશંસા કરી તેને પ્રેરણારૂપ ગણાવી હતી.

પાટણ જિલ્લાના લણવા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડ્રાયવર તરીકે નોકરી કરતાં ઉદયભાઈને હાલ કોરોના મહામારીમાં આરોગ્ય સેવાના સુચારૂ વ્યવસ્થાના ભાગરૂપે કુણઘેર ખાતે તૈયાર કરવામાં આવેલા ફેસિલીટી ક્વોરન્ટાઈન સેન્ટર પર ફરજ સોંપવામાં આવી છે. ગણતરીના દિવસોમાં હવે તેઓ વયમર્યાદાના કારણે સેવાનિવૃત થવા જઈ રહ્યા છે. ઉદયભાઈએ તેમના છેલ્લા પગારમાંથી મુખ્યમંત્રીશ્રી રાહતનિધિમાં યોગદાન આપવાની સાથે સાથે રૂ.૧૫ હજાર જેટલી રકમ લોકડાઉન દરમ્યાન જરૂરિયાતમંદ પરિવારોને રાશનકીટ વિતરણ કરતી વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓને પણ આપી છે.

આરોગ્યકર્મી તરીકે શંકાસ્પદ કોરોના વાયરસ ધરાવતા દર્દીઓને એમ્બ્યુલન્સથી ફેસિલિટી ક્વોરન્ટાઈન સેન્ટર સુધી પહોંચાડતા ઉદયભાઈ શેઠના આ ઉમદા કાર્યથી એક વાત તો ચોક્કસ છે કે સરકાર સાથે જોડાયેલા કર્મયોગીઓ તેમની ફરજ ઉપરાંત કર્તવ્યપાલનમાં પણ શૂરા છે. જનસેવાના આ ઉમદા કાર્ય થકી અદના કર્મયોગી ઉદયભાઈ ‘શેઠ’ અન્યો માટે પ્રેરણારૂપ બન્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code