આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ દ્વારા પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ચારુપ ખાતે ઔધોગિક વસાહતનું ખાતમૂહુર્ત તેમજ તકતીનું અનાવરણ કાર્યક્રમનું રાજયના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. જેમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ વિભાગના મંત્રી વાસણભાઇ આહીર અને ગુજરાત ઔધોગિક વિકાસ નિગમના અધ્યક્ષશ્રી બળવંતસિહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર ઔધોગિક ક્ષેત્રે વિકાસની તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. રાજયમાં નાના ગામોમાં ઔધોગિક વસાહતના નિર્માણથી રોજગારીનું નિર્માણ થયુ છે. ઔધોગિક વિકાસ દ્વારા બહુમાળી શેડ મહિલા ઔધોગિક પાર્ક સહિતના નવિન પાર્કોના નિર્માણથી ઉદ્યોગોનો ખુબજ પ્રમાણમા વિકાસ થયો છે. જેના થકી રોજગારી પુરી પાડવામાં રાષ્ટ્રમાં ગુજરાત પ્રથમક્રમે રહ્યું છે. રાજયમાં કૃષિક્ષેત્રે મહિલાક્ષેત્રે રોજગારીક્ષેત્રે ઔદ્યોગિકક્ષેત્રે અનેક પ્રગતિ સાધી છે. રાજયમાં 24 કલાક વિજળી પુરી પાડવામાં કન્યા કેળવણી થકી દિકરીઓને શિક્ષણ પુરુ પાડવામાં ગુજરાતે મોભાનું સ્થાન ઉભુ કરેલ છે. માન.વડાપ્રધાનના સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને ગુજરાતે સાર્થક કરી બતાવ્યું છે. રાષ્ટ્રની આયુષ્યમાન ભારત યોજનાથી આરોગ્ય ક્ષેત્રે ગરીબોના બેલી બન્યા છે.

પાટણ જિલ્લામાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય રહ્યા છે. હવે ઔધૌગિક વસાહતના નિર્માણથી પાટણ જિલ્લામાં રોજગારીની તકો ઉપલબ્ધ બનશે. પાટણ જિલ્લામાં રોજગારી ક્ષેત્રે સોનેરી સૂરજ ઉગી રહ્યો છે. તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રી વાસણભાઇ આહીરે જણાવ્યું હતું કે જી.આઇ.ડી.સી. વાઇબ્રન્ટ થવાથી રોજગારીની તકો ઉપલબ્ધ બની છે. પાટણ જિલ્લામાં આજે સોનાનો સૂરજ ઉગી રહ્યો છે. રાષ્ટ્ર લેવલે ગુજરાતે એમ.ઓ.યુ.માં મોટી સફળતા હાસલ કરી છે. જેના થકી યુવા વર્ગને રોજગારી ઉપલબ્ધ બની રહેશે. નર્મદા યોજના થકી ખેતી ક્ષેત્રે પાટણ બનાસકાંઠા અને કચ્છ જિલ્લાએ ખૂબજ પ્રગતિ હાંસલ કરી છે.

આ પ્રસંગે ગુજરાત ઔધોગિક વિકાસ નિગમના અધ્યક્ષ બળવંતસિહ રાજપૂતે જણાવ્યું હતુ કે ચારુપ ખાતે 182 પ્લોટ ફાળવવાની પ્રક્રિયા ઓનલાઇ પારદર્શક રીતે કરવામાં આવશે. ગુજરાત ઔધોગિક ક્ષેત્રે વિકાસનું મોડલ બની રહ્યું છે. ચારુપ ગામ નંદન વન બનશે અને રોજગારીની તકો ઉપલબ્ધ બનશે. છેવાડાનો નાનો વ્યક્તિ ઉદ્યોગપતિ બને તે માટે પ્લોટમાં પણ રાજય સરકાર વ્દારા રાહત આપવામાં આવશે. નજીવી કિંમતે પ્લોટ ઉપલબ્ધ બનશે જેનાથી ઉત્તર ગુજરાત પણ વિકાસની ગતિ તરફ આગળ વધશે.

આ પ્રસંગે કે.સી.પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસની સુવાસ વધુ તેજ ગતિથી પ્રસરી રહી છે. પાટણ જિલ્લાને જી.આઇ.ડી.સી. ઉપલબ્ધ બનતા પ્રગતિના માર્ગે આગળ વધશે. આ પ્રસંગે રણછોડભાઇ દેસાઇએ પણ જણાવ્યું હતું કે રાજય સરકારે વિકાસની ગતિને ઉદ્યોગો થકી વિકાસની તેજ ગતિ આપવાનું કામ કર્યું છે. 182 ઉદ્યોગો થકી અનેક રોજગારીઓ ઉપલબ્ધ બનશે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતુ કે પાટણ જિલ્લો બીજા જિલ્લાની સરખામણીની સાપેક્ષમાં નવો જિલ્લો છે. પાટણ જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી છે. વિકાસ માટે ઉદ્યોગો પાટણ માટે મુખ્ય પરિબળ બનશે નવી રોજગારીઓ ઉપલબ્ધ બનશે. સંપતિ-સંપતિનું સર્જન કરે છે. વિકાસ- વિકાસને અનુસરણ કરતો હોય છે. આ ક્ષેત્ર પાટણના વિકાસનું સહભાગી બનશે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, પાટણના પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિ- જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઇ પટેલ, મયંકભાઇ નાયક, સતિષભાઇ ઠક્કર, કિશોર મહેશ્વરી જી.આઇ.ડી.સી.ના ચીફએન્જીનીયર, બી.સી.વાર્લી પ્રાદેશિક મેનેજર, એ.પી.ગોસાઇ જિલ્લાના અધિકારીઓ નિગમના અધિકારીઓ પદાધીકારીઓ સરપંચ, કર્મચારીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code