રાજકારણ@દેશ: ભાજપને જોરદાર ઝટકો, 3 વખતના ધારાસભ્ય અને દિગ્ગજ નેતા આજે AAPમાં જોડાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિલ્હીના છતરપુરથી ત્રણ વખત ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા બ્રહ્મસિંહ તંવર આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. દિવાળીના અવસર પર તેમણે ભાજપ સાથેનો છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. તેમણે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું. બ્રહ્મસિંહ તંવર 1993, 1998માં મહેરૌલી અને 2013માં છતરપુરથી ભાજપની ટિકિટ પર ધારાસભ્ય રહી ચૂક્યા છે.
બ્રહ્મસિંહ તંવર ગુર્જર નેતા તરીકે ઓળખાય છે.છતરપુરથી AAP ધારાસભ્ય કરતાર સિંહ તંવર આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આમ આદમી પાર્ટી બ્રહ્મસિંહ તંવરને છતરપુર વિધાનસભાથી ટિકિટ આપી શકે છે. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ બ્રહ્મ સિંહ તંવરે જણાવ્યું હતુંકે, 'આજે મેં ભાજપ સાથે સંબંધ તોડીને AAP સાથે કામ કરવાનું મન બનાવી લીધું છે. અરવિંદ કેજરીવાલનો ઉત્સાહ અને વિકાસ જોઈને હું તેમની સાથે જોડાયો છું. અરવિંદ કેજરીવાલ જી તમારો આભાર.'
બ્રહ્મસિંહ તંવરના પક્ષમાં જોડાવા અંગે અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, 'આજે AAP માટે ખૂબ જ ખુશીનો દિવસ છે. બ્રહ્મસિંહજી એક મોટો ચહેરો છે. તેઓ 50 વર્ષથી જનતાની સેવા કરી રહ્યા છે. તેઓ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ભાજપ છોડીને જોડાયા છે. આમ આદમી પાર્ટીનું કામ જોઈને લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી માત્ર 12 વર્ષની છે, પરંતુ દિલ્હી બાદ પંજાબમાં પણ સરકાર બનાવી છે. આ પાર્ટીમાં મોટા મોટા નેતાઓ જોડાઈ રહ્યા છે. તેનું કારણ આમ આદમી પાર્ટીની સરકારનું કામ છે.'