રાજકારણ@દેશ: રાહુલ ગાંધીના નિવાસ સ્થાને વિપક્ષની બેઠક, આ બાબતો પર થઈ શકે છે ચર્ચા

 
રાહુલ ગાંધી
ભાજપને મદદ કરવા માટે મતદાર યાદીઓ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. આ સાથે જ વિપક્ષી 'INDIA' ગઠબંધનની ચિંતા વધી ગઈ છે. વિપક્ષ માટે ઉમેદવાર શોધવાનું કામ મુશ્કેલ છે, કારણ કે તેમને ખબર છે કે સંસદના બંને ગૃહોમાં તેમની સંખ્યા ઘણી ઓછી છે. કારણ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના સભ્યો દ્વારા થાય છે અને ત્યાં વિપક્ષી સાંસદોની સંખ્યા ઓછી છે, તેથી ઈન્ડિયા ગઠબંધન આ ચૂંટણીનો ઉપયોગ પછાત અને લઘુમતી સમુદાયો, ખેડૂતો, બુદ્ધિજીવીઓ અને નાગરિક સમાજ સહિતના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગોને એક કરવા અને તેમના સુધી સ્પષ્ટ સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરશે.

આ જ કારણ છે કે વિપક્ષ એક એવા વૈચારિક ચહેરાને સંયુક્ત ઉમેદવાર તરીકે શોધી રહ્યું છે, જે તેના આ રાજકીય સંદેશને ફેલાવી શકે. આ કારણે જ રાહુલ ગાંધીના નિવાસ્થાને 'INDIA' ગઠબંધનની એક મહત્ત્વની બેઠક 7 ઓગસ્ટના રોજ યોજાવાની છે. આ બેઠકમાં બિહાર વિધાનસભા ચૂંટણી, રાજ્યની મતદાર યાદીના પુનરીક્ષણ અને ઉપરાષ્ટ્રપતિ પદના સંભવિત ઉમેદવાર અંગે ચર્ચા થવાની શક્યતા છે.આ બેઠકમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી મતદાર યાદીઓ પર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા એક સંશોધન (રિસર્ચ) પર પ્રેઝન્ટેશન આપી શકે છે. બે દિવસ પહેલાં જ તેમણે આ સંશોધન વિશે કહ્યું હતું કે, મને એક 'એટમ બોમ્બ' મળ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ સંશોધન દ્વારા કોઈ પણ શંકા વિના એ સાબિત થાય છે કે ભાજપને મદદ કરવા માટે મતદાર યાદીઓસાથે ચેડા કરવામાં આવી રહ્યા છે.