રાજકારણ@દેશ: રાહુલ ગાંધીના ચૂંટણીપંચ સામે ગંભીર આક્ષેપો, હરિયાણામાં 25 લાખ વોટ ચોરીનો દાવો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ "વોટ ચોરી" એટલે કે મતદાર યાદીમાંથી નામોની ગેરકાયદેસર બાદબાકીના મુદ્દે સરકાર અને ચૂંટણી પંચ સામે પોતાનો હુમલો વધુ તેજ કર્યો છે. અગાઉની પ્રેસ કોન્ફરન્સમાં ગંભીર આરોપો લગાવ્યા બાદ, તેમણે આજે ફરી આ મુદ્દે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજી છે. હરિયાણાના મતદારોની યાદીમાં રાહુલ ગાંધીના બતાવ્યા અનુસાર એક જ મહિલાની તસવીરનો 223 જગ્યાએ ઉપયોગ કરાયો હતો જેમાં દરેક વખતે નામ, ઉમર અને સરનામા અલગ અલગ બતાવીને વોટિંગ કરાવાયું હતું. આ રીતે તેમણે વોટ ચોરીનો દાવો કર્યો હતો.હરિયાણામાં 2 કરોડ વોટર છે અને 25 લાખની વોટ ચોરી કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે આનાથી વધુ વોટ ચોરી થવાની પણ શક્યતા છે. હરિયાણામાં 521619 વોટર ડુપ્લીકેટ ઊભા કરાયા હતા. તેમણે એક સ્લાઈડમાં બતાવ્યું કે એક ફોટોવાળા ચૂંટણીકાર્ડ દ્વારા લગભગ 100થી વધુ વખત વોટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં દરેક વખતે અલગ અલગ નામ વાપરીને એક જ ફોટો વાપરીને બનાવેલા ઈલેક્શન કાર્ડનો ઉપયોગ કરાયો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે દરેક એક્ઝિટ પોલ, ઓપિનિયન પોલ અને દરેક પ્રકારના સંકેતો હરિયાણામાં કોંગ્રેસની સરકાર રચાશે તેવો દાવો કરી રહ્યા હતા.
રાહુલ ગાંધીએ આ દરમિયાન પોસ્ટલ બેલેટના આંકડા પણ જાહેર કરીને દાવો કર્યો કે ત્યાં કોંગ્રેસની સરકાર જ રચાવાની હતી પરંતુ અમે કેવી રીતે ચૂંટણી હાર્યા તે ન સમજાયું. આ દરમિયાન પ્રેસ રોન્ફરન્સમાં હરિયાણાના સીએમનું નિવેદન સંભળાવ્યું જેમાં તેઓ કહી રહ્યા હતા કે ભાજપ જ હરિયાણામાં સરકાર બનાવશે અને અમારી પાસે દરેક પ્રકારની વ્યવસ્થા છે. રાહુલ ગાંધીનો મુખ્ય આરોપ એ છે કે ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા મતદાર યાદીના 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) અભિયાનની આડમાં દેશભરમાંથી લાખો મતદારો, ખાસ કરીને દલિત, આદિવાસી, પછાત અને લઘુમતી સમુદાયના લોકોના નામ જાણીજોઈને મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે.

