રાજકારણ@દેશ: બિહારના નવા મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરીના નામ પર મહોર, આવતીકાલે લેશે શપથ

 
રાજકારણ
અંતિમ કેબિનેટ બેઠકમાં નીતિશ કુમાર ભાવુક થયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બિહારમાં નવી સરકાર રચવા કેન્દ્રીયમંત્રી પર્યવેશન શિવરાજસિંહના નેતૃત્વ હેઠળ બિહાર ભાજપના ધારાસભ્ય દળની બેઠળ મળી, જેમાં બિહારના નવા મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરીના નામ પર મહોર મારવામાં આવી. સમ્રાટ ચૌધરી ભલે અલગ-અલગ પક્ષોમાંથી પસાર થઈને ભાજપમાં આવ્યા હોય, પરંતુ તેમને રાજકીય સફળતા અને નામના ભાજપમાં મળી.

સમ્રાટ ચૌધરી પોતાના પિતાના માર્ગદર્શન હેઠળ રાજકારણમાં આવ્યા હતા. તેમણે સમતા પાર્ટીથી પોતાની સફર શરૂ કરી અને ત્યારબાદ RJDમાં જોડાયા. RJDમાં તેઓ મંત્રી બન્યા, RJDમાં રહ્યા બાદ, તેઓ 2014માં JDUમાં જોડાયા અને જીતન રામ માંઝીની સરકારમાં મંત્રી બન્યા. વર્ષ 2018માં સમ્રાટ ચૌધરી ભાજપમાં જોડાયા અને આજે પ્રદેશ ભાજપમાં પ્રથમ હરોળના સ્થાન પર બિરાજમાન છે. 2019માં જ્યારે નિત્યાનંદ રાય પ્રદેશ અધ્યક્ષ હતા, ત્યારે સમ્રાટ ચૌધરીને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 2020માં તેઓ ભાજપ તરફથી વિધાન પરિષદમાં પહોંચ્યા. ઑગસ્ટ 2022માં જ્યારે નીતિશ કુમારે ભાજપ સાથેનો છેડો ફાડીને RJD સાથે મહાગઠબંધન સરકાર બનાવી, ત્યારે સમ્રાટ ચૌધરીને ખરી રાજકીય ઓળખ મળી. તેઓ વિધાન પરિષદમાં વિપક્ષના નેતા બન્યા

વર્ષ 2023માં સમ્રાટ ચૌધરી ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા અને ત્યારબાદ જ્યારે નીતિશ કુમારે ફરીથી NDAમાં વાપસી કરી, ત્યારે તેમને નાયબ મુખ્યમંત્રીની ખુરશી સોંપવામાં આવી. એટલું જ નહીં, 2025ની વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષના નિશાના પર સૌથી વધુ સમ્રાટ ચૌધરી રહ્યા હતા, જેનું પરિણામ એ આવ્યું કે NDAની વાપસી થતાં તેમને ફરીથી નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 

નીતિશ કુમારે આજે રાજ્યપાલને મળીને બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. આજે તેમણે રાજીનામું આપતાં પહેલા પોતાના કાર્યકાળની અંતિમ કેબિનેટ બેઠક યોજી હતી જેમાં તેઓ ભાવુક પણ થઈ ગયા હતા.