રાજકારણ@દેશ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ રજૂ કરશે ઐતિહાસિક 'વંદે માતરમ' બિલ, જાણો વધુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અત્યાર સુધી ‘પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971’ હેઠળ રાષ્ટ્રધ્વજ, બંધારણ અને ‘જન ગણ મન’નું અપમાન કરનાર માટે કડક જોગવાઈઓ હતી, જેમાં 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.હવે આ જ કાયદામાં સુધારો કરીને ‘વંદે માતરમ’ને પણ આ દાયરામાં લાવવામાં આવી રહ્યું છે. જો કોઈ વ્યક્તિ ‘વંદે માતરમ’ ગાતી વખતે જાણીજોઈને અવરોધ ઊભો કરશે અથવા તેનો અનાદર કરશે, તો તેને ગુનાહિત કૃત્ય ગણીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ મહત્વનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે દેશભરમાં ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી થઈ રહી છે. અગાઉ પણ ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને નિર્દેશ આપ્યો હતો કે તમામ સત્તાવાર અને સરકારી કાર્યક્રમોમાં જ્યાં ‘જન ગણ મન’ વગાડવામાં આવે છે, ત્યાં ‘વંદે માતરમ’ પણ ગાવાનું ફરજિયાત બનાવવું જોઈએ. આ બિલ સરકારની દેશભક્તિ અને રાષ્ટ્રીય પ્રતીકો પ્રત્યેની અતૂટ નિષ્ઠાનું પ્રતીક છે.આ નિર્ણયનું સ્વાગત કરતા નિષ્ણાતોનું કહેવું છે કે, આ પગલું દેશમાં રાષ્ટ્રીયતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે.
‘વંદે માતરમ’ એ આઝાદીના જંગમાં ક્રાંતિકારીઓનો નારો હતો, જેણે લાખો ભારતીયોમાં દેશભક્તિની જ્યોત જગાવી હતી. હવે જ્યારે આ ગીતને કાનૂની સુરક્ષા મળી રહી છે, ત્યારે તે તેના ગૌરવ અને સન્માનને નવી ઊંચાઈઓ પર લઈ જશે.સંસદમાં આ બિલ રજૂ થવાની સાથે જ દેશમાં એક નવી ચર્ચા અને સકારાત્મક માહોલ ઊભો થયો છે. હવે નાગરિકો માટે પણ રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન જાળવવું એ માત્ર નૈતિક જવાબદારી જ નહીં, પરંતુ કાનૂની ફરજ પણ બની જશે.

