રાજકારણ@દેશ: મહિલા અનામત બિલ પર સંસદમાં હંગામો, આજે સાંજે 4 વાગ્યે થશે મતદાન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સંસદના ખાસ સત્રનો આજે બીજો દિવસ છે અને સમગ્ર દેશની નજર લોકસભા પર ટકેલી છે. આજે સાંજે 4 વાગ્યે મહિલા અનામત અને સીમાંકન સુધારા જેવા મહત્વના બિલો પર મતદાન થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બિલને મહિલાઓના અધિકારનો મુદ્દો ગણાવ્યો છે, જ્યારે વિપક્ષે તેને 'રાજકીય ચાલ' ગણાવી ઘેરાબંધી શરૂ કરી છે.કોઈપણ બંધારણીય સુધારાને પસાર કરવા માટે ગૃહમાં ‘વિશેષ બહુમતી’ હોવી અનિવાર્ય છે. એટલે કે, હાજર સભ્યોના બે તૃતીયાંશ (2/3) મતો સરકારની તરફેણમાં હોવા જોઈએ.
લોકસભામાં અત્યારે 541 સભ્યો છે. જો તમામ સભ્યો હાજર રહી મતદાન કરે, તો સરકારને 360 મતોની જરૂર પડશે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) પાસે હાલમાં 293 બેઠકો છે. ભાજપ પાસે 240 અને તેના સહયોગી પક્ષો પાસે 53 બેઠકો છે. બહુમતી સાબિત કરવા માટે સરકારને હજુ પણ 67 વધારાના મતોની જરૂર છે.કોંગ્રેસ સહિતના બિન-એનડીએ પક્ષો પાસે કુલ 241 બેઠકો છે. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ અનામતના વિરોધમાં નથી, પરંતુ તેને સીમાંકન સાથે જોડવાની પદ્ધતિ સામે તેમને વાંધો છે.
બીજી તરફ, અખિલેશ યાદવે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ સાથે સરકારને ઘેરી છે. જો વિપક્ષી જૂથ એક થઈને મતદાન કરે, તો બંધારણીય સુધારાને પસાર થતો અટકાવી શકાય છે. જોકે, સરકારને આશા છે કે કેટલાક અપક્ષ અને તટસ્થ પક્ષોના ટેકાથી આ બિલ પસાર થઈ જશે.ગૃહમંત્રી અમિત શાહે ખાતરી આપી છે કે વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તેમાં તમામ પાસાઓનું ધ્યાન રાખવામાં આવશે.

