રાજકારણ@દિલ્હી: ચૂંટણી પહેલા કેજરીવાલને સૌથી મોટો ઝટકો! સાત ધારાસભ્યોએ એકસાથે આપ્યું રાજીનામું

 
કેજરીવાલ
પક્ષ મૂળ સિદ્ધાંતોને છોડી ભ્રષ્ટાચારમાં ઓતપ્રોત થયો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આમ આદમી પાર્ટીના સાત ધારાસભ્યોએ વિધાનસભાની ચૂંટણી પહેલા એકસાથે રાજીનામાં મુકતા દિલ્હીના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. જેમાં ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત મહરોલિયા, જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિ, કસ્તૂરબા નગરમાંથી મદનલાલ, પાલમ ધારાસભ્ય ભાવના ગૌડ, મહરોલીમાંથી નરેશ યાદવ, આદર્શ નગરમાંથી પવન શર્મા અને બિજવાસનમાંથી બીએસ જૂન સામેલ છે. આમ આદમી પાર્ટી દ્વારા અમુક ધારાસભ્યોની ટિકિટ કપાતાં તેઓ નારાજ થયાં હોવાના અહેવાલો છે.

જનકપુરીના બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા રાજેશ ઋષિએ રાજીનામું આપ્યું છે. ટિકિટ કપાતાં નારાજ રાજેશ ઋષિએ પક્ષના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને રાજીનામું મોકલી આરોપ મૂક્યો હતો કે, પક્ષ મૂળ સિદ્ધાંતોને છોડી ભ્રષ્ટાચારમાં ઓતપ્રોત થયો છે. દિલ્હીની મહરોલી વિધાનસભા બેઠકમાંથી ધારાસભ્ય નરેશ યાદવે પણ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. તે સતત ત્રણ વખત આ ક્ષેત્રમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. નરેશ યાદવે રાજીનામું આપતાં કહ્યું કે, 'આ પક્ષનો જન્મ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડાઈ લડતાં થયો હતો. પરંતુ હવે પક્ષ જ પોતે જ ભ્રષ્ટાચારમાં ડૂબ્યો છે.' અગાઉ ગત મહિને સિલમપુરમાંથી આપના ધારાસભ્ય અબ્લુદલ રેહમાને પણ પક્ષમાંથી રાજીનામું આપી આક્ષેપ કર્યો હતો કે, પક્ષ મુસ્લિમોના અધિકારોને સતત અવગણી રહ્યો છે. તેઓ મુસ્લિમ અને છેવાડાના સમુદાયોના અધિકારોને અવગણી રહ્યો છે.