રાજકારણ@દિલ્હી: ભાજપના ધારાસભ્ય રેખા ગુપ્તાએ આજે મુખ્યમંત્રી તરીકે લીધા શપથ

 
રેખા ગુપ્તા

ભાજપનો દિલ્હીમાં 27 વર્ષનો વનવાસ પૂરો થયો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાજપના ધારાસભ્ય રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા છે. રામલીલા મેદાનમાં આજે બપોરે 12.35 વાગ્યે રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી પદે શપથ લેતાં જ ભાજપનો દિલ્હીમાં 27 વર્ષનો વનવાસ પૂરો થયો છે. દિલ્હીના LG વિકે સક્સેનાએ તેમને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. દિલ્હીમાં સુષ્મા સ્વરાજ, શીલા દિક્ષિત અને આતિશી બાદ રેખા ગુપ્તા ચોથા મહિલા મુખ્યમંત્રી છે.રેખા ગુપ્તા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા તે પહેલા ભાજપમાં તેમની કોઈ મોટી નામના નહતી. એવું પણ નથી કે પાર્ટીએ તેમને તક આપી નથી.

રેખા ગુપ્તાને વર્ષ 2015 અને 2020ની વિધાનસભા ચૂંટણીમાં શાલીમાર બાગ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. પરંતુ તે બંને ચૂંટણી હારી ગયા હતા. વર્ષ 2023 માં, તેઓ મેયરની ચૂંટણીમાં પણ શૈલી ઓબેરોય સામે મેદાનમાં ઉતર્યા હતા. ત્યાં પણ રેખાનાં હાથે નિરાશજ લાગી હતી. પરંતુ કોને ખબર હતી કે બે વર્ષ પહેલા મેયરની ચૂંટણી ન જીતી શકનાર એ જ રેખા ગુપ્તા દિલ્હીમાં સત્તાના ટોચના સ્થાને બિરાજશે.રેખા ગુપ્તા શાલીમાર બાગથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. રેખા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય સભ્ય છે.

2003-2004 સુધી તેમણે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દિલ્હી રાજ્યના સચિવનું પદ સંભાળ્યું. ઉપરાંત 2004-2006માં તેઓ ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય સચિવ બન્યા. રેખા ગુપ્તા વર્ષ 2009માં દિલ્હી ભાજપ મહિલા મોરચાના મહાસચિવ રહી ચૂક્યા છે. તેઓ માર્ચ 2010 થી ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય છે. તે 2007 અને અને 2012માં ઉત્તર પીતમપુરા (વોર્ડ 54)થી બે વાર ચૂંટાયેલા કાઉન્સિલર રહી ચૂક્યા છે. તેઓ 2013 થી સતત વિધાનસભા ચૂંટણી લડી રહ્યાં છે અને 2025માં જીત્યા છે.