રાજકારણ@દેશ: AAP સાંસદે કરી મોટી માંગ, ચૂંટણી લડવાની ઉંમર 25 થી ઘટાડીને 21 વર્ષ કરવામાં આવે

 
રાજકારણ
તેમણે સૂચન કર્યું કે દેશમાં ચૂંટણી લડવાની ઉંમર 25 વર્ષ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આમ આદમ પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભામાં કહ્યું કે આજે જે મુદ્દા પર હું બોલવા માંગુ છું તે મારા દિલની નજીક છે. રાજકારણમાં યુવાનોની ભાગીદારી પર બોલતા તેમણે કહ્યું કે ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે. દેશની સરેરાશ ઉંમર માત્ર 29 વર્ષ છે. 65 ટકા વસ્તી 35 વર્ષથી ઓછી વયની છે. જયારે અડધી વસ્તી 25 વર્ષથી ઓછી વયની છે. જ્યારે પહેલી લોકસભાની ચૂંટણી થઈ ત્યારે લોકસભામાં 26 ટકા લોકો 40 વર્ષથી ઓછી ઉંમરના હતા. 17મા લોકસભામાં માત્ર 12 ટકા નેતાઓની ઉંમર 40 વર્ષથી ઓછી હતી.

રાઘવ ચઢ્ઢાએ કહ્યું, “જેમ આપણો દેશ યુવાન બની રહ્યો છે, તે જ પ્રમાણમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ યુવાનોથી દૂર જઈ રહ્યા છે. આજે આપણા યુવા દેશને વૃદ્ધ રાજકારણીઓ દ્વારા ચલાવવામાં આવે છે. જ્યારે દેશને યુવા રાજકારણીઓની જરૂર છે.”તેમણે કહ્યું કે આજે દેશમાં રાજકારણને ખરાબ વ્યવસાય માનવામાં આવે છે. માતા-પિતા ઇચ્છે છે કે તેમનો દીકરો એન્જિનિયર, ડૉક્ટર અને સાયન્ટિસ્ટ, ઓફિસર, સ્પોર્ટ્સપર્સન બને, પરંતુ કોઈ નથી ઈચ્છતું કે તેમનું બાળક રાજકારણી બને.

તેમણે કહ્યું કે દેશમાં ચૂંટણી લડવાની ઉંમર 25 વર્ષ છે. પછી તે લોકસભા હોય કે વિધાનસભા. તમારા દ્વારા હું સરકારને વિનંતી કરવા માંગુ છું કે ઉંમર 25 થી ઘટાડીને 21 વર્ષ કરવામાં આવે. જો 21 વર્ષનો યુવક ચૂંટણી લડવા માંગતો હોય તો તેને મંજૂરી મેળવી જોઈએ. જ્યારે દેશમાં 18 વર્ષનો યુવક સરકાર પસંદ કરી શકે છે તો 21 વર્ષની ઉંમરે ચૂંટણી કેમ ન લડી શકે.