રાજકારણ@દેશ: જમ્મુ કાશ્મીર ચૂંટણીને લઈને અમિત શાહે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, જાણો વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ અને કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. આ ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા તેઓએ કહ્યું કે, આઝાદીના સમયથી જમ્મુ-કાશ્મીરનો વિસ્તાર અમારી પાર્ટી માટે મહત્વપૂર્ણ રહ્યો છે. અમે તેને કનેક્ટ રાખવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. તેમણે કહ્યું કે કલમ 370 ઈતિહાસ બની ગઈ છે, તે ક્યારેય પાછી ના આવી શકે. કારણ કે આ એ વિચારધારા હતી જે યુવાનોના હાથમાં પથ્થર આપતી હતી.
તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર 1947થી આપણા દિલની ખૂબ નજીક છે. જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હતો, છે અને રહેશે. તેમણે કહ્યું કે અન્ય રાજકીય પક્ષો તુષ્ટિકરણની રાજનીતિમાં સામેલ છે અને અલગતાવાદ માટે જવાબદાર છે. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષનો ઈતિહાસ સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. કલમ 370ના પડછાયા હેઠળ અલગતાવાદનો વિકાસ થયો. એક પછી એક સરકાર અલગતાવાદીઓ સામે ઝૂકતી રહી. કલમ 370 અને 35A હવે ઈતિહાસ બની ગઈ છે.
જમ્મુ-કાશ્મીર હવે વિકાસ અને પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે, 59 નવી કોલેજો ખોલવામાં આવી છે, જેમાંથી 30 કાશ્મીરમાં અને 29 જમ્મુમાં છે. જમ્મુ અને કાશ્મીરમાં 2 AIIMS, IIT, IIM, NIFT, યુનાની હોસ્પિટલો ખોલવામાં આવી છે. છેલ્લા 70 વર્ષમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે દેશના અન્ય ભાગોમાં જવું પડતું હતું, પરંતુ હવે દેશના બાકીના ભાગોમાંથી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે જમ્મુ-કાશ્મીર આવી રહ્યા છે.