રાજકારણ@દેશ: રાહુલ ગાંધીના નિવેદન પર અમિત શાહનો પલટવાર, 'તેમને દેશ વિરોધી વાતો કરવાની આદત પડી છે'
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમના અમેરિકાના પ્રવાસ દરમિયાન અનામતને લઈને નિવેદન આપ્યું હતું. તેમના નિવેદન પર રાજકારણ ગરમાયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રાહુલ ગાંધીના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. અમિત શાહે કહ્યું કે દેશને વિભાજીત કરનારી અને દેશ વિરોધી નિવેદનો આપનારી તાકાતો વિરૂદ્ધ ઉભુ રહેવું રાહુલ ગાંધી અને કોંગ્રેસની આદત બની ગઇ છે. જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રવિરોધી અને અનામત વિરોધી એજન્ડા હોય કે પછી વિદેશી પ્લેટફોર્મ પર ભારત વિરોધી નિવેદનો કરવા હોય. રાહુલ ગાંધીએ હંમેશા દેશની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
તેમણે કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન કોંગ્રેસની પ્રાદેશિકતા, ધર્મ અને ભાષાકીય મતભેદોના આધારે તિરાડ ઊભી કરવાની રાજનીતિનો પર્દાફાશ કરે છે. દેશમાંથી અનામત ખતમ કરવાની વાત કરીને રાહુલ ગાંધીએ ફરી એકવાર કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો બહાર લાવી દીધો છે. તેમના મનમાં જે વિચારો હતા તે શબ્દોના રૂપમાં બહાર આવ્યા છે. હું રાહુલ ગાંધીને કહેવા માંગુ છું કે જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી કોઈ અનામત નાબૂદ નહીં કરી શકે અને ન તો કોઈ દેશની સુરક્ષા સાથે રમી શકે છે.
અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ વર્જીનિયામાં એક ભાષણ આપ્યું હતું જ્યા તેમને ભારતીય અમેરિકન સમાજના સેંકડો લોકો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે RSS કેટલાક ધર્મો, ભાષાઓ અને સમુદાયોને અન્ય કરતા નીચા માને છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તમારે પહેલા આ સમજવું પડશે કે લડાઇ કોના માટે લડવાાં આવી રહી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે લડાઇ આ વાતની છે કે શું એક શીખને ભારતમાં પાઘડી અથવા કડો પહેરવાનો અધિકાર છે કે નથી.