રાજકારણ@દેશ: દિલ્હીમાં આતિશી આજે CM પદના શપથ લેશે, સાથે આ 5 મંત્રીઓ પણ લેશે શપથ
આતિશી દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી હશે.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ આતિશી હવે દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. આજે પોતાની કેબિનેટ સાથે શપથ લેશે. કેજરીવાલે 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. આ અગાઉ આતિશીને ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.મુખ્યમંત્રી આજે એટલે કે શનિવારે દિલ્હીમાં શપથ લેશે. નામાંકિત મુખ્યમંત્રી આતિશી લગભગ 4:30 વાગ્યે CM તરીકે શપથ લેશે.
તેમની સાથે 5 મંત્રીઓ પણ શપથ લેશે. આતિશીની કેબિનેટમાં ગોપાલ રાય, સૌરભ ભારદ્વાજ, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન અને મુકેશ અહલાવતનો સમાવેશ થશે. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જેલમાંથી છૂટ્યા બાદ અરવિંદ કેજરીવાલે 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું.કેજરીવાલના રાજીનામાની જાહેરાત બાદ વિધાનસભ્ય દળની બેઠક યોજાઈ હતી જેમાં આતિશીના નામને મંજૂરી આપવામાં આવી હતી. આતિશી અગાઉની કેજરીવાલ સરકારમાં કેબિનેટ મંત્રી હતા. આજે આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસમાં પણ શપથ ગ્રહણની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
આતિશી દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી હશે. આ પહેલા ભાજપના દિવંગત અને દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજ અને કોંગ્રેસના શીલા દીક્ષિત દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. સુષ્મા સ્વરાજનો કાર્યકાળ ઘણો નાનો હતો જ્યારે શીલા દીક્ષિત 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા. હવે દિલ્હીની કમાન આતિષી પાસે જવાની છે. કેબિનેટમાં જે ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે તે મોટાભાગના જૂના ચહેરાઓ છે જેઓ અગાઉ મંત્રી રહી ચૂક્યા છે. મુકેશ અહલાવત પ્રથમ વખત મંત્રી તરીકે શપથ લેશે. કેજરીવાલના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચને આ વર્ષે નવેમ્બરમાં જ વિધાનસભા ચૂંટણી કરાવવાની માગ કરી છે.