રાજકારણ@ગુજરાત: ભારતીય જનતા પાર્ટીમાં મોટો રાજકીય ભૂકંપ, એકસાથે 23 હોદ્દેદારોએ આપ્યા રાજીનામાં
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આંકલાવ શહેરમાં ભાજપમાં આજે મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. એક સાથે 23 મહત્વપૂર્ણ હોદ્દેદારોએ પોતાના પદ પરથી રાજીનામાં આપ્યાં છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. શરૂઆત 18 ઓગસ્ટના રોજ થઈ હતી, જ્યારે આંકલાવ શહેર ભાજપના મહામંત્રી વિશાલ પટેલે અચાનક રાજીનામું આપ્યું હતું.તેમના સમર્થનમાં આજે વધુ 22 હોદ્દેદારોએ પણ પોતાના પદ છોડી દીધા છે. રાજીનામાં આપનારાઓમાં યુવા મોરચા પ્રમુખ મિહિર શાહ, શહેર સંગઠન ઉપપ્રમુખ વિપુલ ગુહા, બક્ષીપંચ મોરચા પ્રમુખ હિતેશ દરજી, મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન પીઠડીયા અને અન્ય મહત્વના પદાધિકારીઓનો સમાવેશ થાય છે.
માહિતી અનુસાર, રાજીનામાઓનું મુખ્ય કારણ પક્ષમાં કોંગ્રેસમાંથી આવેલા કેટલાક લોકોની વધતી જતી દખલગીરી છે. ઉપરાંત, ગત નગરપાલિકા ચૂંટણીમાં મેન્ડેટના કારણે સસ્પેન્ડ થયેલા સભ્યોની તરફેણમાં થઈ રહેલી હિમાયતથી પણ સ્થાનિક કાર્યકરો નારાજ છે. આ ઘટનાએ આંકલાવ ભાજપમાં મોટું ગાબડું પાડ્યું છે અને ભર ચોમાસે રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે. કેટલાક લોકો ભાજપ જિલ્લા સંગઠનની નબળી નેતાગીરીને પણ આ પરિસ્થિતિ માટે જવાબદાર હોવાનું કહી રહ્યાં છે. કૉંગ્રેસના ગઢમાં ભાજપી હોદેદારો સ્થાનિક સંગઠનથી નારાજ થતાં ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.