રાજકારણ@દેશ: ભાજપ અને બીજેડીના ધારાસભ્યો વચ્ચે બબાલ, આ રાજ્યની વિધાનસભામાં મચાવી તોડફોડ

 
વિધાનસભા
બીજેડી અને ભાજપના ધારાસભ્યો વચ્ચે જોરદાર ખટપટ જોવા મળી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઓડિશા વિધાનસભાના અધિવેશનમાં બજેટ સત્ર દરમિયાન બીજા જ દિવસે રાજ્યપાલ રઘુવર દાસના દીકરા લલિત કુમાર સામે કાર્યવાહીની માગ સાથે જોરદાર હોબાળો મચ્યો હતો. આ દરમિયાન ભાજપ અને બીજેડીના ધારાસભ્યો વચ્ચે જોરદાર બબાલના દૃશ્યો સર્જાયા હતા. હોબાળા અને નારોબાજી વચ્ચે બીજેડીના ધારાસભ્ય ધ્રૂવ સાહુએ વિધાનસભા અધ્યક્ષ સુરમા પાઢીના પોડિયમ પર ચઢીને તેમનું માઈક જ તોડી નાખ્યું. પ્રશ્નકાળ શરૂ થતાં જ બીજેડીના ધારાસભ્ય ગૃહના મધ્યમાં આવી ગયા હતા અને રાજ્યપાલના દીકરા સામે કાર્યવાહીની માગ કરવા લાગ્યા હતા.

નારેબાજી પણ કરી હતી જેના લીધે બીજેડી અને ભાજપના ધારાસભ્યો વચ્ચે જોરદાર ખટપટ જોવા મળી હતી. ભાજપ અને બીજેડીના ધારાસભ્યોની વધતી બબાલને જોતાં ગૃહને અટકાવવાની અને આવતીકાલ સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી. વિધાનસભા અધ્યક્ષે આ મામલે ત્વરિત જ જાહેરાત કરી દીધી હતી. બીજેડીના ધારાસભ્યોએ તપાસ સામે સવાલ ઊઠાવતા કહ્યું હતું કે કાયદા મંત્રી કહે છે કે તેઓ રાજ્યપાલના દીકરા મામલે તપાસ કરી રહ્યા છે. જો જિલ્લા જજ તપાસ કરી રહ્યા છે તો પોલીસ અધિકારીઓ ક્યાં જતા રહ્યા છે. રાજભવનમાં ફરજ પર તત્કાલીન એએસઓ બૈકુંઠ પ્રધાને રાજ્યપાલ રઘુવર દાસના દીકરા લલિત કુમાર પર રાજભવનમાં મારપીટ કરવાનો આરોપ મૂક્યો હતો.