રાજકારણ@દેશ: ગુજરાતના કોંગ્રેસ નેતા ગેનીબેન અને જીગ્નેશ મેવાણી જમ્મુ કાશ્મીરમાં કરશે પ્રચાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં 2024ની લોકસભા ચૂંટણીમાં ગાબડું પાડનાર બનાસની બેન ગેનીબેન અને પોતાના આક્રમક અંદાજ માટે જાણીતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને જમ્મુ કાશ્મીરના સ્ટાર પ્રચારક તરીકે નીમવામાં આવ્યા છે. ગુજરાતમાં 2024માં લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ કોઈ બેઠકની ચર્ચા થઇ હોય તે બેઠક એટલે બનાસકાંઠા છે.
રાજ્યમાં 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 26 માંથી 26 બેઠક જીતી હતી.પરંતુ 2024માં ગેનીબેને ચૂંટણી જીતી કોંગ્રેસમાં પોતાનું વર્ચસ્વ સાબિત કરી બતાવ્યું અને આજે કોંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ પણ તેમની કામગીરીની નોંધ લઇ રહ્યું છે. જેના કારણે પહેલા બનાસકાંઠાના સાંસદ, ત્યારબાદ રાજકોટ AIIMSની કમિટીના સભ્ય તરીકે નિમણુંક પામ્યા અને હવે જમ્મુ કાશ્મીરના સ્ટાર પ્રચારક નેતા જાહેર કરવામા આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કોઈ પણ ઘટના બને તેમાં લોકોને ન્યાય અપાવવા જીગ્નેશ મેવાણી મેદાને ઉતરે છે. જીગ્નેશ મેવાણી તેમના આક્રમકે અંદાજ અને બેબાક બોલ માટે જાણીતા છે. ગુજરાત કોંગ્રેસની ન્યાયયાત્રાનું પણ તેમને નેતૃત્વ કર્યું અને સાથે જ જસદણ હોય કે રાજકોટ અગ્નિકાંડ દરેક ઘટનામાં તેઓ પીડિત પરિવાર સાથે ન્યાય માટે સરકાર સામે આંદોલનો કરે છે. આ કારણે જ હવે રાષ્ટ્રીય નેતૃત્વએ તેની નોંધ લીધી છે અને તેમને જમ્મુ કાશ્મીરની ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે નીમવામાં આવ્યા છે.