રાજકારણ@દેશ: હરિયાણામાં કેજરીવાલનો દાવો, 'મને ભાજપ અને NDAમાં સામેલ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા'

 
કેજરીવાલ
દેશભરમાં ફક્ત બે જ રાજ્ય છે, જ્યાં વીજળી મફત અને 24 કલાક મળે છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીના નેતા પોતાની સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી અભિયાનમાં જોડાઈ ગયાં છે. હરિયાણાની આવનારી ચૂંટણીને લઈને આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ આજે સિરસા જિલ્લાના ડબવાલીમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન કેજરીવાલે ભાજપની કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, તે જેલમાં મને તોડીને રાજકીય જનતાંત્રિક ગઠબંધન (NDA) માં સામેલ કરવા ઈચ્છતા હતાં.

કેજરીવાલે કહ્યું, 'એ લોકોને ખબર નથી કે, હું હરિયાણાથી છું. તમે કોઈને પણ તોડી શકો છો, પરંતુ હરિયાણવીને નહીં. ભાજપ પ્રામાણિકતાથી ડરે છે અને એટલે જ મારી છબી ખરાબ કરવા મારા પર ખોટા કેસ કરી મને જેલમાં નાંખી દીધો. તેમણે મને તોડવા ઘણાં પ્રયાસ કર્યાં અને મને વારંવાર ભાજપ, NDA માં સામેલ થવા કહ્યું, પરંતુ હું તૂટ્યો નહીં અને આજે તમારી સામે છું. 'અરવિંદ કેજરીવાલે હરિયાણાની ચૂંટણી વિશે વાત કરતા કહ્યું, '10 વર્ષથી દિલ્હીના લોકોની સેવા કરી રહ્યો છું.

દેશભરમાં ફક્ત બે જ રાજ્ય છે, જ્યાં વીજળી મફત અને 24 કલાક મળે છે અને મોંઘી વીજળી ક્યાં મળે છે? હરિયાણા અને ગુજરાતમાં, જ્યાં તેમની સરકાર છે. હવે લોકો મને પુછે છે કે, શું તમારી સરકાર બનશે? તો હું કહું છું કે અમારી પાર્ટી વિના નહીં બને. જે પણ સરકાર બનશે આમ આદમી પાર્ટીના સમર્થનથી બનશે.'નવી સરકાર માટે હરિયાણામાં 90 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી થશે. રાજ્યની તમામ બેઠકો માટે એક જ તબક્કામાં પાંચ ઓક્ટોબરે મતદાન થશે અને 8 ઓક્ટોબરે મત ગણતરી થશે.