રાજકારણ@દેશ: લાલુ પ્રસાદે કર્યો મોટો દાવો, મોદી સરકાર નબળી, ઓગસ્ટ સુધી જ ચાલશે

 
લાલુ પ્રસાદ
આજે કેન્દ્ર સરકારનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે અને કોઇ પણ સમયે ચૂંટણી આવી શકે છે.

અરાલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, દેશમાં ગમે ત્યારે ચૂંટણી થઈ શકે છે. તેઓએ રાષ્ટ્રીય જનતા દળના સ્થાપના દિવસ પર આ દાવો કર્યો છે.કાર્યકરોને સંબોધતા લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, દિલ્હીમાં મોદી સરકાર ખૂબ જ નબળી છે અને ઓગસ્ટ સુધીમાં પડી શકે છે. તેમણે કહ્યું કે, હું પાર્ટીના તમામ કાર્યકર્તાઓને તૈયાર રહેવાની અપીલ કરું છું. કારણ કે ચૂંટણી ગમે ત્યારે થઇ શકે છે. ઉપરાંત લાલુ યાદવે આ દાવા સાથે પોતાની પાર્ટી અને સંબંધિત પક્ષોને સાવચેત રહેવાની અનુરોધ કર્યો છે. તેઓએ જણાવ્યું કે આજે કેન્દ્ર સરકારનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે અને કોઇ પણ સમયે ચૂંટણી આવી શકે છે.

તેમણે દાવો કર્યો છે કે ઓગસ્ટમાં મોદી સરકાર પડી જશે અને નવા રાજનૈતિક દ્રશ્યનું સર્જન થશે. લાલુ યાદવના આ દાવા પર ભાજપ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. તો બીજી તરફ, વિપક્ષી પક્ષો આ મુદ્દે જોરશોરથી ચર્ચા કરી રહ્યા છે. આ દરમિયાન પાર્ટીના નેતા તેજસ્વી યાદવે પણ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. રાષ્ટ્રીય જનતા દળ એકમાત્ર એવો પક્ષ છે જેણે ન તો સમાધાન કર્યું કે ન તો ભાજપને સમર્પણ કર્યું. તેજસ્વીએ કહ્યું, સત્તામાં રહેવું સૌથી મોટી વાત નથી. અમારી લડાઈ નબળા અને વંચિત લોકો માટે છે. લોકસભા ચૂંટણીમાં અમારો વોટ શેર 9% વધ્યો છે. જ્યારે એનડીએના વોટ શેરમાં 6%નો ઘટાડો થયો છે.

તેમણે વધુમાં કહ્યું કે, આજે આરજેડીએ 4 સીટો જીતી છે. અમે વધુ જીતી શક્યા હોત. તેમ છતાં આ લોકસભા ચૂંટણીમાં અમારા ગઠબંધનને 9 બેઠકો મળી છે. આ વખતે 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીએ કોંગ્રેસ પાર્ટીને સફળતા મળી છે. 2019માં કોંગ્રેસે 52 બેઠકો પ્રાપ્ત કરી હતી, જ્યારે આ વખતે 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ 99 લોકસભા બેઠકો જીતી હતી. જ્યારે INDIA ગઠબંદને કુલ 234 લોકસભા સીટો જીતી હતી.