રાજકારણ@દેશ: પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને નીતિ આયોગની બેઠક શરૂ, આ રાજ્યોના મુખ્યમંત્રી બેઠકથી દૂર

 
વડાપ્રધાન મોદી

નીતિ આયોગની બેઠક બાદ 'CM કોન્ક્લેવ' થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને નીતિઆયોગની બેઠક યોજાઇ રહી છે. મોટાભાગના રાજ્યોના મુખ્યમંત્રી આ બેઠકમાં હાજર છે. ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે. બેઠકમાં ભાજપ શાસિત રાજ્યોની અલગ બેઠક યોજાઇ રહી છે.નીતિ આયોગની બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને નાણા પ્રધાન નિર્મલા સીતારમણ ઉપસ્થિત છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી, સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા, ભારે ઉદ્યોગ મંત્રી એચડી કુમારસ્વામી અને MSME મંત્રી જીતન રામ માંઝીને નીતિઆયોગમાં વિશેષ આમંત્રિત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ખાસ આમંત્રિતોમાં પંચાયતી રાજ મંત્રી લલ્લન સિંહ, સામાજિક ન્યાય મંત્રી વીરેન્દ્ર કુમાર, નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુ, આદિજાતિ બાબતોના મંત્રી જુઅલ ઓરામ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી અન્નપૂર્ણા દેવી, ખાદ્ય પ્રક્રિયા મંત્રી ચિરાગ પાસવાન અને રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભારી રાવ ઈન્દ્રજીત સિંહનો સમાવેશ થાય છે.તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, પંજાબ, કેરળ અને ઝારખંડના મુખ્યમંત્રીઓએ નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે.

બેઠક દરમિયાન રાજ્ય સરકાર દ્વારા નીતિ આયોગને એક અહેવાલ સુપરત કરવામાં આવશે. આ અહેવાલ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી ચાલતી યોજના અંગે ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા, વિકસિત રાષ્ટ્રમાં રાજ્યોની ભૂમિકા, પીવાનું પાણી-વીજળી, આરોગ્ય, શાળા શિક્ષણ, દેશ-રાજ્યોના વિકાસ માટેનો રોડમેપ, કેન્દ્ર-રાજ્ય સરકારો વચ્ચે સહકાર અને ડિજિટલાઇઝેશન જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. .