રાજકારણ@દેશ: ભાજપ પ્રદેશ પ્રમુખપદે OBC નેતાની થઈ શકે છે પસંદગી, કયા ચાર નામ છે રેસમાં? જાણો

 
ભાજપ

ભૂતકાળમાં પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી વચ્ચે ગજગ્રાહ થયો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મહારાષ્ટ્ર સરકારની શપથવિધી બાદ ભાજપ હાઈકમાન્ડ ગુજરાતને નવા ભાજપ પ્રદેશ પ્રમુખપદે કોની વરણી કરવી તે મુદ્દો હાથ પર લેશે. જો કે, રાજકીય સિરસ્તા મુજબ આ વખતે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ ઓબીસી હશે. કેન્દ્રીય મંત્રી બન્યા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનો એક પગ દિલ્હીમાં, બીજો પગ ગુજરાતમાં રહ્યો છે. મંત્રીપદ અને પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળી શકાય તેમ નથી. આ જોતાં ખુદ પાટીલે જ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પછી નવા પ્રદેશ પ્રમુખ નજીકના દિવસોમાં નિમાશે તેવા સંકેત આપી દીધા છે.

ભુતકાળમાં એવુ બન્યુ છે કે, પ્રદેશ પ્રમુખના જે નામો રેસમાં હોય તેના કરતાં કોઇ નવા ચહેરાને જ ગુજરાત ભાજપની જવાબદારી સોંપવામાં આવી છે. આમેય ભાજપમાં શું થશે તે કોઇ રાજકીય પંડિતો પણ કળી શકે તેમ નથી. સૂત્રોના જણાવ્યાનુસાર, આ વખતે સૌરાષ્ટ્ર અથવા તો ઉત્તર ગુજરાતના કોઈ ઓબીસી નેતાને ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખપદે બેસાડાય તેવી શક્યતા જોવાઇ રહી છે. રાજકીય સિરસ્તો છે કે, અત્યારે મુખ્યમંત્રીપદે પાટીદાર છે તેવા કિસ્સામાં પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખ બનાવાય તેવી સંભાવના નહીવત છે.આ જોતાં ઓબીસી નેતા જ એક માત્ર વિકલ્પ છે. અત્યારે ભાજપના વર્તુળોમાં ચર્ચા છે કે, પૂર્ણશ મોદી, દેવુસિંહ ચૌહાણ, જગદીશ પંચાલ અને મયંક નાયકના નામ નવા પ્રદેશ પ્રમુખની રેસમાં છે.

હવે વડાપ્રધાન મોદી અને અમિત શાહ કોને ગુજરાત ભાજપની કમાન સોંપે છે તેના પર સૌની નજર મંડાઇ છે. ભાજપ હાઈકમાન્ડ પણ હવે એવુ ઇચ્છેકે, એવા પ્રદેશ પ્રમુખની પસંદગી કરશે તે સરકાર અને સંગઠનમાં તાલમેલ બેસાડે. ભૂતકાળમાં પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી વચ્ચે ગજગ્રાહ થયો છે. જાણવા મળ્યુ છે કે, 'આજ મહિનાના અંત સુધીમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે.'