રાજકારણ@દેશ: પ્રિયંકા ગાંધીએ પરીક્ષાના ફોર્મ પર જીએસટી વસૂલવા મામલે ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહારો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ પરીક્ષાના ફોર્મ પર જીએસટી વસૂલવા મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે, ‘કેન્દ્ર સરકાર પરીક્ષાનું ફોર્મ પર જીએસટી વસૂલી રહી છે. જે માતા-પિતાએ પોતાના બાળકોની પરીક્ષાની તૈયારી માટે એક-એક પૈસા બચાવ્યા હતા, તેઓના સપનાને કેન્દ્ર સરકારે આવકના સોર્સમાં બદલી નાખ્યો છે.’
કેરળની વાયનાડ બેઠકના સાંસદ પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા એક્સ પર સુલ્તાનપુરના કલ્યાણ સિંહ સુપર સ્પેશિયાલિટી કેન્સર ઇન્ટીટ્યુટનું પરીક્ષા ફોર્મ શેર કર્યું છે, જેમાં પરીક્ષાના ફોર્મ પર 18 ટકા જીએસટી લગાવેલું હોવાનું જોવા મળી રહ્યું છે. તેમણે એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે, ‘ભાજપ યુવાઓને નોકરી આપી શકતી નથી, પરંતુ પરીક્ષાના ફોર્મ પર 18 ટકા જીએસટી લગાવી તેમના ઘા પર મીઠું ભભરાવવાનું કામ શરુ કરી રહી છે.
અગ્નિવીર સહિત તમામ સરકારી નોકરીના ફોર્મ પર જીએસટી લગાવવામાં આવી રહ્યો છે. જો ફોર્મ ભર્યા બાદ સરકારની નિષ્ફળતા અથવા ભ્રષ્ટાચારના કારણે પેપર લીક થાય તો યુવાઓના નાણાં બરબાદ થઈ જાય છે.’તેમણે સરકાર પર આકરા પ્રહારો કરી કહ્યું કે, ‘માતા-પિતા પોતાના બાળકના ભણતર માટે અને પરીક્ષાની તૈયારી માટે એક-એક પૈસા બચાવે છે, પરંતુ ભાજપ સરકારે તેમના સપનાને આવકનું સાધન બનાવી દીધું છે.