રાજકારણ@દેશ: જમ્મુ કાશ્મીરની રેલીમાં રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર, કહ્યું 'હવે નરેન્દ્ર મોદી ભારતના લોકોથી ડરે છે'

 
રાહુલ ગાંધી
તેઓ ક્યારેય બેરોજગારી વિશે વાત નથી કરતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં જોડાઈ ગયા છે. રાહુલ ગાંધીની રેલીઓ સાથે કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી પ્રચાર શરુ થઈ ગયો છે. આ સાથે ભારતીય જનતા પાર્ટી આજે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી શકે છે. પરંતુ આ દરમિયાન જમ્મુ કાશ્મીરની ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા.

 

જમ્મુ-કાશ્મીરમાં એક રેલીને સંબોધન કરતાં તેઓએ કહ્યું કે, "સરકાર માત્ર અદાણી અને અંબાણીને ફાયદો પહોંચાડવા માટે કામ કરી રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં દેશના અન્ય ભાગો કરતાં વધુ બેરોજગારી છે. ક્યારેક મોદીજી દરિયાની નીચે ચાલ્યા જાય છે, તો ક્યારેક કોઈ રાજનેતાને ગળે લગાડે છે. પરંતુ તેઓ ક્યારેય બેરોજગારી વિશે વાત નથી કરતા. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સની સરકાર સત્તામાં આવવાની છે. અમે દરેક સરકારી ખાલી જગ્યાઓ ભરીશું અને તેની વયમર્યાદાને 40 વર્ષ સુધી વધારીશું. તેમજ દૈનિક વેતન મજૂરોને કાયમી ભરતી કરીશું.

 

તેમણે કહ્યું કે, "હવે નરેન્દ્ર મોદી ભારતના લોકોથી ડરે છે અને હવે થોડો સમય બાકી રહ્યો છે, અમે નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારને હટાવીશું.અમે ઈચ્છીએ છીએ કે દેશમાં ભાઈચારો રહે, દરેકને સન્માન મળે, અને  એકબીજા સાથે સારી રીતે વાત થાય." કાશ્મીરમાં કોંગ્રેસ સરકાર બનાવવા પર રાહુલ ગાંધીએ કહ્યું કે, " કાશ્મીરમાં અમારી સરકાર બનશે અને તમારા માટે પૂરા દિલથી કામ કરવામાં આવશે.