રાજકારણ@દેશ: લોકસભામાં રાજનાથના રાહુલ પર પ્રહાર, 'અમુક લોકો બંધારણની નકલ ખિસ્સામાં રાખીને ફરે છે'
![બંધારણ](https://atalsamachar.com/static/c1e/client/91782/uploaded/33c5d8a92308f1ecf0344042dfbd3f4c.jpg)
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સંસદમાં શિયાળુ સત્રમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. વિપક્ષ અદાણી મુદ્દે ચર્ચા કરવાની માગ પર ભારે હોબાળો મચાવી રહ્યો છે ત્યારે સત્તા પક્ષે સોરોસ અને સોનિયાનો મુદ્દો ઊઠાવ્યો હતો. બીજી તરફ રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવના મુદ્દાથી માહોલ ગરમાયો હતો. રાજ્ય સભામાં કોંગ્રેસના ખડગે અને ધનખડ વચ્ચે ખટપટ થયાં બાદ હોબાળો થતાં રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. બીજી તરફ આજે લોકસભામાં બંધારણ મુદ્દે પણ ચર્ચા થવાની છે. પ્રિયંકા ગાંધી પણ આજે પહેલીવાર લોકસભામાં ભાષણ આપશે. કોંગ્રેસે અવારનવાર અનેક અવસરો પર બંધારણનું અપમાન કર્યું છે.
તેમણે હંમેશા એક કમિટેડ જ્યુડિશિયરી, કમિટેડ બ્યૂરોક્રેસી અને કમિટેડ ઈન્સ્ટીટ્યૂશન બનાવવાનું કામ કર્યું છે. કોંગ્રેસના મોઢા પર બંધારણના સંરક્ષણની વાત શોભા આપતી નથી. 1973માં પણ તમામ બંધારણીય મૂલ્યોને અવગણી ત્રણ જજને દૂર કરવામાં આવ્યા હતા. આ ત્રણેય જજનો વાંક એટલો જ કે, તેઓ સરકાર સામે ઝૂકવા તૈયાર ન હતા.રાજનાથ સિંહે રાહુલ ગાંધીનું નામ લીધા વિના નિશાન તાક્યું હતું કે, કોંગ્રેસના અમુક નેતા બંધારણની નકલ ખિસ્સામાં રાખીને ફરી છે. તેમણે બાળપણથી આ જ શીખ્યું છે. કે, બંધારણને ખિસ્સામાં રાખીને ફરો. પરંતુ બાજપે બંધારણને માથા પર બેસાડ્યું છે. અમે કોઈપણ સંસ્થા સાથે છેતરપિંડી કરી નથી.
રાજનાથ સિંહે વિપક્ષ પર પ્રહારો કરતાં જણાવ્યું કે, આજે બંધારણની રક્ષાની વાતો થઈ રહી છે. પરંતુ આપણે આ સમજવાની જરૂર છે કે, કોણે બંધારણનું અપમાન કર્યું છે અને કોણે સન્માન આપ્યું છે. 1976માં જસ્ટિસ એચઆર ખન્નાએ એક કેસમાં કોંગ્રેસ સરકાર વિરૂદ્ધ અસંમતનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ ખન્ના સ્વીકારવા તૈયાર ન હતા કે, કોઈ સરકાર દ્વારા નાગરિકો પાસેથી ન્યાય માંગવાનો અધિકાર છીનવી લેવામાં આવ્યો હોય. અને તેમના આ સરકાર વિરૂદ્ધના ચુકાદાની તેમણે શું કિંમત ચૂકવી છે, તે ઈતિહાસ જાણે છે.
તેઓએ કહ્યું કે અમારી સરકાર મહિલા સશક્તિકરણ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. અમે નારી શક્તિ વંદન કાયદો પણ પસાર કર્યો છે. તેનાથી રાજકીય ક્ષેત્રે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે. આ વિચારસરણી હેઠળ અમારી સરકારે 2018માં નેશનલ બેકવર્ડ કમિશનને બંધારણીય દરજ્જો આપ્યો હતો. સ્વતંત્ર ભારતમાં આવું પહેલીવાર બન્યું. અમે 2019માં બંધારણીય સુધારો કર્યો હતો, જેથી આર્થિક આધાર પર અનામત આપી શકાય. સર્વગ્રાહી અને સર્વસમાવેશક વિકાસ માટેના તમામ પ્રયાસો આપણા બંધારણીય મૂલ્યો અને આદર્શોનું જીવંત સ્વરૂપ છે. અમે બંધારણના મૂલ્યોને કેન્દ્રમાં રાખીને કામ કર્યું છે એટલું જ નહીં, તેનો અમલ પણ કર્યો છે.