રાજકારણ@દેશ: યુપીમાં સમાજવાદી પાર્ટીનો મોટો દાવો, દિગ્ગજને હટાવી આ નેતાને બનાવાશે ઉપમુખ્યમંત્રી!

 
રાજકારણ
રાજકીય ગલિયારામાં ચર્ચા છે કે મનોજ પાંડેની ભાજપ સાથે ડીલ થઈ છે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઉત્તરપ્રદેશમાં ભાજપમાં ખેંચતાણની સ્થિતિ વચ્ચે સમાજવાદી પાર્ટીએ મોટો દાવો કર્યો છે. રાયબરેલી સ્થિત ઊંચાહારથી સપાની ટિકિટ પર ચૂંટણી લડી વિધાનસભા પહોંચેલા મનોજ પાંડેને ભાજપની સરકારમાં ઉપમુખ્યમંત્રી પદ અપાઈ શકે છે. યુપીમાં રાજ્યસભા ચૂંટણી દરમિયાન મનોજ પાંડે બળવો કરી ભાજપમાં જોડાઈ ગયા હતા.

સપા નેતા આઈપી સિંહે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે 'રાજકીય ગલિયારામાં ચર્ચા છે કે મનોજ પાંડેની ભાજપ સાથે ડીલ થઈ છે કે પોતાને ઉપમુખ્યમંત્રી પદ મળે. બ્રજેશ પાઠક બસપાથી ભાજપમાં 2017માં જોડાયા હતા અને મનોજ પાંડે 2024માં સપા છોડી ભાજપમાં જોડાયા હતા.' આ ઉપરાંત સપા નેતાએ વધુમાં લખ્યું હતું કે 'બ્રજેશ પાઠક કેશવ ટીમના સભ્ય તરીકે યોગીજીને મુખ્યમંત્રી પદેથી હટાવવાના અભિયાનના એક ભાગ છે. દિલ્હીથી આવી રહેલી માહિતી છે કે ગુજરાત અને બિહારની જેમ જ બંને ઉપમુખ્યમંત્રીઓને હટાવી શકે છે. પાઠકે ભાજપના વરિષ્ઠ નેતા ડો.દિનેશ શર્માને હટાવીને પદ મેળવ્યું હવે મનોજ પાંડે તેમને હટાવવા જઈ રહ્યા છે. આ આંતરિક લડાઈ ભાજપને નરકમાં લઈ જશે.'

આઈપી સિંહે ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક અને ભાજપ નેતા મનોજ પાંડે વચ્ચેની મુલાકાતનો એક્સ- પર પોસ્ટ કરીને જવાબ આપતાં આ દાવો કર્યો હતો. ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે એક્સ પર લખ્યું હતું 'આજે, હું રાયબરેલીના ઉંચહાર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય મનોજ પાંડેને તેમના નિવાસસ્થાને મળીને જાહેર હિતના વિવિધ મહત્વના વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી હતી.' આ તમામ અટકળો વચ્ચે દિલ્હીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપ હાઈકમાન્ડ વચ્ચે બેઠક થઈ શકે છે. સીએમ યોગી આજે સાંજે દિલ્હી પહોંચશે.