રાજકારણ@દેશ: આ ચહેરાઓને મળશે મોટી જવાબદારી, સાથી દળોને પણ મંત્રીમંડળમાં મળશે મહત્ત્વનું સ્થાન!
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લોકસભા ચૂંટણીના પરિણામ બાદ દેશમાં ત્રીજી વખત મોદી સરકાર બનવા જઈ રહી છે. ચૂંટણીમાં NDA ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળતા હવે ગઠબંધન દેશમાં ત્રીજી વખત સરકાર બનાવશે. સરકાર રચવાનો દાવો કરતા પહેલા ગઈકાલે જૂના સંસદ ભવનમાં NDA ગઠબંધનની બેઠક યોજાઈ હતી, જેમાં ગઠબંધનના તમામ પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના નામ પર તમામે સર્વસંમતિ દર્શાવી હતી. આથી હવે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે. ગુજરાતને પણ મોદી સરકાર 3.0 માં પ્રતિનિધિત્વ મળશે એવી માહિતી છે.
ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના વિજેતા ઉમેદવાર અમિતભાઈ શાહને એકવાર ફરી કેન્દ્રીય ગૃહમંત્રીની જવાબદારી સોંપવામાં આવશે. જ્યારે પોરબંદર બેઠક પરથી ભાજપના વિજેતા ઉમેદવાર મનસુખ માંડવિયાનું કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન નક્કી મનાઈ રહ્યું છે. ગુજરાતથી સાંસદ એસ. જયશંકરનું પણ મંત્રીપદ નક્કી માનવામાં આવી રહ્યું છે. ઉપરાંત, નવસારીથી BJP વિજેતા ઉમેદવાર CR પાટીલ, જામનગરથી પૂનમ માડમ, વલસાડથી ઘવલ પટેલને મંત્રીપદમાં સ્થાન મળવાની સંભાવના છે. જો કે, આ વખતે BJP ને સ્પષ્ટ બહુમત ન મળતા વર્ષ 2019 ની સરખામણીએ BJP ના બે મંત્રીપદ ઘટી શકે છે, જેમાં રાજકોટ બેઠક પરથી BJP ના વિજેતા ઉમેદવાર પરશોત્તમ રૂપાલા અને ખેડાથી વિજેતા દેવુસિંહ ચૌહાણનું સ્થાન કપાય તેવી અટકળો છે.
મોદી સરકાર 3.0 ના શપથગ્રહણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજનાથ સિંહ, નિતીન ગડકરી અને પીયૂષ ગોયલ ફરી એકવાર કેબિનેટ મંત્રી બની શકે છે. એસ. જયશંકર વિદેશ મંત્રાલય જાળવી રાખે તે સ્પષ્ટ છે. જ્યારે અનુરાગ ઠાકુર, ગજેન્દ્રસિંહ શેખાવતને પણ મોટી જવાબદારી મળી શકે છે. લોકસભા ચૂંટણીમાં પરાજિત થયેલા મંત્રીઓની જગ્યાએ નવા ચહેરાને સ્થાન મળી શકે છે, જેમાં બાંસુરી સ્વરાજ, તેજસ્વી સૂર્યા, મધ્યપ્રદેશમાં શાનદાર પ્રદર્શન બાદ શિવરાજસિંહને મંત્રાલયમાં મહત્ત્વનું સ્થાન મળી શકે છે. ઉપરાંત, જ્યોતિરાદિત્ય સિંધિયાને મંત્રીપદની, રાજસ્થાનથી ગજેન્દ્રસિંહ શેખાવતને પ્રતિનિધિત્વની અને ઓડિશાથી સંબિત પાત્રાને પણ મહત્ત્વની જવાબદારી મળી શકે છે. NDA માં અન્ય સાથી દળોની વાત કરીએ તો મોદી સરકાર 3.O માં TDP ને બે કેબિનેટ અને બે રાજ્યકક્ષાના મંત્રીપદ મળી શકે છે.
જ્યારે JDU ને પણ બે કેબિનેટ મંત્રાલય મળવાનું નક્કી મનાઈ રહ્યું છે. જો કે, સહયોગી દળોએ શરતો ન મૂકી હોવાની સ્પષ્ટ વાત કરી છે. પરંતુ, તેમ છતાં મંત્રીમંડળમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. LJP ના ચિરાગ પાસવાન પણ કેબિનેટ મંત્રી બની શકે છે. ઉપરાંત, કેન્દ્રીય મંત્રીપદમાં પવન કલ્યાણ, સહયોગી અપનાદળના અનુપ્રિયા, NCP ના અજિત પવાર, શિવસેના જૂથના બે મંત્રીને પણ સ્થાન મળી શકે છે. JDS અને RLD માંથી પણ કેન્દ્રીય મંત્રાલયમાં સ્થાન મેળવી શકે છે. JDU નેતા કે.સી. ત્યાગીનુ મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, PM પદ માટે નીતિશ કુમારને ઓફર મળી હતી.