રાજકારણ@દેશ: જમ્મુ-કાશ્મીરમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન, આ દિગ્ગજો છે ચૂંટણીના મેદાનમાં
આ તબક્કામાં ભાજપની સૌથી મોટી અગ્નિ પરીક્ષા ગણાઈ રહી છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આજે શરૂ થઈ ગયું છે. 40 બેઠકો માટે થઈ રહેલું આ મતદાન ભાજપ માટે ખુબ મહત્વનું ગણાય છે. કારણ કે આ તબક્કામાં જમ્મુની વધુ સીટો પર મતદાન જોવા મળ્યું છે. 2014 બાદથી જ અનેક સીટો પર ભાજપની મજબૂત પકડ જોવા મળી છે. આ ઉપરાંત કેટલીક બેઠકો પર એનસી અને પીડીપીએ પણ મુકાબલો રસપ્રદ બનાવ્યો છે. ત્રીજા તબક્કાના મતદાનમાં 7 જિલ્લાની 40 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. જેમાં 24 બેઠકો જમ્મુ ની અને 16 બેઠકો કાશ્મીરની છે.
છેલ્લા તબક્કામાં 39.18 લાખ મતદારો જમ્મુના મેદાની વિસ્તારોથી લઈને કાશ્મીરના પહાડો સુધી ફેલાયેલા 40 મત વિસ્તારોમાં 415 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. જમ્મુ ડિવિઝનના જમ્મુ, સાંબા, કઠુઆ, અને ઉધમપુર જિલ્લાઓ તથા કાશ્મીરના બારામુલ્લા અને કૂપવાડા જિલ્લાની કુલ 40 બેઠકો માટે મતદાન છે. જમ્મુ જિલ્લામાં 11, સાંબામાં 3, કઠુઆમાં છ અને ઉધમપુરમાં 4 વિધાનસભા બેઠકો છે. જ્યારે બારામુલ્લામાં 7, બાંદીપુરામાં 3 અને કૂપવાડામાં 6 સીટો છે.
ત્રીજા તબક્કાના મતદાનમાં બે પૂર્વ ડે.સીએમ તારાચંદ અને મુઝફ્ફર બેગ સહિત કુલ 415 ઉમેદવારો મેદાનમાં છે. આ ઉપરાંત પીપલ્સ કોન્ફરન્સના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી સજ્જાદ લોન અને નેશનલ પેન્થર્સ પાર્ટી ઈન્ડિયાના અધ્યક્ષ દેવ સિંહ જેવા પ્રમુખ નેતાઓનું ભાવિ પણ દાવ પર છે. સજ્જાદ લોન કૂપવાડાની બે વિધાનસભા બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. આ અંતિમ તબક્કાનું મતદાન છે અને આવામાં તમામ પાર્ટીઓ પૂરી તાકાત ઝોંકી દીધી છે. આ તબક્કામાં ભાજપની સૌથી મોટી અગ્નિ પરીક્ષા ગણાઈ રહી છે કારણ કે અનેક સીટો પાર્ટીનો ગઢ ગણાય છે.