રાજકારણ@દેશ: હરિયાણામાં ચૂંટણી પહેલાં જ આ પૂર્વ દિગ્ગજ મંત્રીએ વધાર્યું ટેન્શન, જાણો વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હરિયાણામાં પણ ટીકીટોની વહેંચણીને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP)માં સંઘર્ષ ચાલી રહ્યો છે. જે બાબતે અનેક નેતાઓ ટિકિટને લઈને પોતાનું વલણ જણાવી રહ્યા છે. એવામાં પૂર્વ PWD મંત્રી નરબીર સિંહે ચૂંટણી લડવા અંગે પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. ગુરુગ્રામમાં નરબીર સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું, 'હું બાદશાહપુરથી ચૂંટણી લડવાનો છું. જો મને ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ મળશે તો સારું રહેશે, નહીં તો હું કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટણી લડીશ.'
તેઓએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે, 'પાર્ટી (ભાજપ)માં કેટલાક લોકો મારી સાથે છે અને કેટલાક લોકો મારી વિરુદ્ધ છે.'નરબીર સિંહ આ પહેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળ દરમિયાન પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ મંત્રી પણ રહી ચુક્યા છે. 2014માં તેમણે બાદશાહપુર વિધાનસભાથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને જીત પણ મેળવી હતી. જો કે, આ પછી આગામી ચૂંટણી (2019)માં તેમની ટિકિટ રદ કરવામાં આવી હતી.