રાજકારણ@દેશ: સંસદમાં ફરી રાહુલ ગાંધીના નિવેદન પર હોબાળો, શું કહ્યું? જાણો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મોનસૂન સત્રના છઠ્ઠા દિવસે આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ બજેટ મુદ્દે ચર્ચા કરવા જોડાયા હતા. તેઓ ફરી એકવાર આક્રમક અંદાજમાં દેખાયા અને તેમણે સરકારને ઘેરવાની શરૂઆત કરી હતી. અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવીને મારી નાખવાની ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે જેવું અભિમન્યુ સાથે કરાયું હતું એવું જ આજના સમયમાં ભારતના લોકો સાથે કરવામાં આવી રહ્યું છે. તેઓએ કહ્યું કે ચક્રવ્યૂહનો વધુ એક સ્વરૂપ હોય છે પદ્મવ્યૂહ જે લોટસવ્યૂમાં હોય છે જેને મોદીજી તેમની છાતી પર લગાવીને ફરે છે.
આ વ્યૂહને મોદી, અમિત શાહ, મોહન ભાગવત, અજિત ડોભાલ, અંબાણી અને અદાણી કન્ટ્રોલ કરે છે. 21મી સદીમાં આ નવો ચક્રવ્યૂહ રચાયો છે. રાહુલ ગાંધીએ અંબાણી અને અદાણી અને 6 લોકોના નામ લીધા ત્યારે સત્તાપક્ષે હોબાળો મચાવવાની શરૂઆત કરી દીધી હતી. તેના પર સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને ટોક્યા અને કહ્યું કે જે સંસદના સભ્યો નથી તેમના નામ ગૃહમાં ન લેવામાં આવે.
તેઓએ કહ્યું કે બે લોકો દેશનું અર્થતંત્ર સંભાળી રહ્યા છે. સરકારને ઘેરતાં રાહુલે સવાલ કર્યો કે બજેટમાં યુવાઓ માટે તમે શું કર્યું? તેનાથી શું એક પણ યુવાને રોજગારી મળશે? તમારો જે ઈન્ટર્નશિપ પ્રોગ્રામ છે તે ફક્ત એક મજાક છે કેમ કે તમે જ કહ્યું છે કે ઈન્ટર્નશિપ દેશની ફક્ત ટોપ 500 કંપનીઓમાં જ થશે. તમે પહેલા યુવાઓના પગ ભાંગી નાખ્યા અને પછી તમે પાટાપિંડી કરવાના પ્રયાસ કરી રહ્યા છો.યુવાઓને તમે એક તરફ પેપરલીક, બીજી તરફ બેરોજગારીના ચક્રવ્યૂહમાં ફસાવ્યા. 10 વર્ષમાં 70 વખત પેપર લીક થયા છે. પેપર લીક અંગે બજેટમાં એક શબ્દ ઉચ્ચાર્યો નથી.
એજ્યુકેશન બજેટમાં જે પૈસા આપવાના હતા તે પણ ન આપ્યા. બીજી બાજુ પહેલીવાર તમે સૈન્યના જવાનોને અગ્નિવીરના ચક્રવ્યૂહમાં ફસાવ્યા. અગ્નિવીરો માટે પણ એક રૂપિયો આપ્યો નથી. રાહુલ ગાંધીએ અદાણી અને અંબાણી વિશે ઘેરતાં કહ્યું કે આ જે બે લોકો છે તે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અને બિઝનેસને કન્ટ્રોલ કરે છે સર. તેમની પાસે એરપોર્ટ છે, ટેલીકોમ છે, હવે રેલવેમાં જઈ રહ્યા છે સર. તેમની પાસે ભારતના ધનની મોનોપોલી છે. જો તમે કહો કે તેમના વિશે ન બોલી શકીએ તો આ અમને સ્વીકાર્ય નથી. અમે તો બોલીશું. તેના પર ટ્રેજરી બેન્ચે હોબાળો મચાવ્યો.