રાજકારણ@દ્વારકા: આમ આદમી પાર્ટીના તમામ 8 ઉમેદવારોના ફોર્મ રદ્દ થતા ચૂંટણીપંચમાં પાર્ટી દ્વારા ફરિયાદ

 
Chuntani
આઠ ઉમેદવારના ફોર્મ મંત્રીના દબાણના કારણે રદ થયા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના તમામ 8 ઉમેદવારોના ફોર્મ રદ્દ થતા ચૂંટણીપંચમાં પાર્ટી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. AAPના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ અમદાવાદમાં પત્રકાર પરિષદ કરીને ભાજપ પર પ્રહારો કર્યા અને રાજ્યના મંત્રી મુળુભાઈ બેરાના ઈશારે ફોર્મ રદ્દ કરવામાં આવ્યાં હોવાના આક્ષેપ કર્યા. ભાણવડમાં ભાજપ ઈચ્છી રહ્યું હતું કે કોઈપણ રીતે તેના વિરોધમાં કોઈ ઉમેદવારો ઊભા ના કરે. તેમને ખ્યાલ આવી ગયો કે ભાણવડમાં તેમની નગરપાલિકા બની શકે તેમ નથી તો તેમને કોંગ્રેસના લોકોને જોઈન્ટ કરાવ્યા, આમ આદમી પાર્ટીના સભ્યોને ડરાવ્યા અને ધમકાવ્યા. 

ઈસુદાને કહ્યું કે ગતરોજ એક મેસેજ વાયરલ થયો કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પક્ષ અને રાજ્ય પક્ષને લઈને કેટલીક ભૂલો છે. અમારા લીગલ ટીમના સભ્યોએ તમામ પુરાવાઓ રજૂ કર્યા અને ત્યારબાદ અમારી અરજીઓ સ્વીકાર કરવામાં આવી. પહેલા સ્ક્રુટીની સમયે કોઈપણ વિવાદ ન હતો, પરંતુ મંત્રીના પુત્રએ ત્યાં જઈને ROને ડરાવ્યા. જેના કારણે ROએ અમારા ઉમેદવારો ઓફિસ છોડી ગયા તેના બાદ ફોર્મમાં વાંધો નીકાળીને ફોર્મને રદ કરવામાં આવ્યો. બીજી નગરપાલિકાઓમાં ROએ જે રીતે ખુલાસા માંગ્યા શું ભાણવડના RO તેવા ખુલાસા નહતા માંગી શકતા? તેનો મતલબ સ્પષ્ટ છે કે તમામ આઠ ઉમેદવારના ફોર્મ મંત્રીના દબાણના કારણે રદ થયા છે. ભાણવડમાં આમ આદમી પાર્ટી એટલી મજબૂત હતી કે અમને ઉમેદવાર નક્કી કરવામાં તકલીફ પડી હતી એટલા બધા યોગ્ય ઉમેદવારો હતા. કોઈપણ રીતે ભાજપની નગરપાલિકા બને તેવી સ્થિતિ ન હતી.

ઈસુદાને કહ્યું કે આ મામલે અમે હાઈકોર્ટમાં જઈ રહ્યા છીએ અને ચૂંટણી આયોગમાં પણ હું ફરિયાદ કરવા જઈ રહ્યો છું. અમારું સ્પષ્ટપણે માનવું છે કે ધાક ધમકીઓ આપીને દબાણ કરીને એક ગુનાહિત કામ કરવામાં આવ્યું છે. હું ગુજરાતની જનતાને અને ખાસ કરીને ભાણવડની જનતાને કહેવા માંગીશ કે ભાજપ બિનહરીફ બનીને ગેરકાયદેસર રીતે જીતવા માંગે છે અને આ ભાજપના લોકો કંસના વંશજ છે. આ લોકો કોઈના સગા નથી અને ફક્ત પ્રાઇવેટ કંપનીની જેમ પોતાની પાર્ટી ચલાવે છે. તો જો તમે ક્યારેય પણ ભાજપના બટનને દબાવતા નહીં અને જો દબાવશો તો તમે કંસને મજબુત કરશો અને તે લોકો તમારા અને મારા વંશને ખતમ કરી નાખશે અને લોકતંત્રને ખતમ કરી નાખશે.