રાજકારણ@ગુજરાત: વિસાવદર પેટા ચૂંટણી માટે AAP પાર્ટીએ ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છેલ્લા કેટલાક સમયથી ખાલી પડેલી ગુજરાતની વિસાવદર વિધાનસભા બેઠકને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. વિસાવદર બેઠક પરની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ કમર કરી છે. આજે આ બેઠક માટે ગુજરાત આપના સીનિયર નેતા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કર્યા છે. ભૂપત ભાયાણીએ આ બેઠક પરથી રાજીનામુ આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. વિસાવદર બેઠકમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને હારેલા હર્ષદ રીબડીયાએ પરિણામ બાદ જે તે સમયે વિજેતા બનેલા આપના ઉમેદવાર ભૂપત ભાયાણીની ચૂંટણી પરિણામને રાજ્યની વડી અદાલતમાં પડકાર ફેંક્યો હતો. જેમાં હર્ષદ રીબડીયાએ ઇલેક્શન પીટિશન પરત ખેંચતા અંતે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો હતો.
એક વર્ષ કરતા વધુ સમયથી જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પૈકી ખાલી પડેલી વિસાવદર વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણી ક્યારે થશે તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું હતું. રાજકીય અને કાયદાકીય ચુંગાલમાં ફસાયેલી પેટા ચૂંટણીનો માર્ગ હવે મોકળો થઇ ગયો છે. પૂર્વ ધારાસભ્ય અને વર્ષ 2022માં ભાજપના ઉમેદવાર તરીકે વિસાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણી લડીને હારેલા હર્ષદ રીબડીયાએ ચૂંટણી પરિણામ બાદ વિજેતા થયેલા આપના ઉમેદવાર ભૂપત ભાયાણીએ ગેરરીતી કરીને ચૂંટણીમાં વિજય મેળવ્યો છે, તે પ્રકારની ચૂંટણી પીટીશન રાજ્યની વડી અદાલતમાં દાખલ કરી હતી. આ પીટીશનને હર્ષદ રીબડીયાએ પાછી ખેંચતા વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે.
વિસાવદર વિધાનસભા બેઠક પર ફરી એક વખત ત્રિપાંખીયો જંગ ખેલાય તેવી શક્યતા પણ ઊભી થઈ શકે છે. વિસાવદર વિધાનસભા બેઠક જીતેલી આમ આદમી પાર્ટી આ સીટ પર પોતાનો ઉમેદવાર ઉભો રાખશે તો બીજી તરફ કોંગ્રેસ પણ પોતાની પરંપરાગત બેઠકને ફરી એક વખત જીતવા માટે ચૂંટણી મેદાનમાં ચોક્કસ જોવા મળશે, તેની વચ્ચે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્યો અને હાલ ભાજપના સક્રિય કાર્યકર તરીકે કામ કરતા હર્ષદ રીબડીયા અને આમ આદમી પાર્ટી માંથી આવેલા ભુપત ભાયાણી સિવાય અન્ય કોઈને પણ ટિકિટ આપીને ઉમેદવાર બનાવી શકે છે.