રાજકારણ@ગુજરાત: 15-16 એપ્રિલે યોજાશે કોંગ્રેસની મોટી બેઠક, રાહુલ ગાંધી પણ રહેશે ઉપસ્થિત

 
રાહુલ ગાંધી
રાહુલ ગાંધી 'સંગઠન સર્જન અભિયાન' પ્રોજેક્ટનો પ્રારંભ કરાવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. જિલ્લા સ્તરે કોંગ્રેસને સશક્ત બનાવવા માટે રાષ્ટ્રીય કોંગ્રેસે અભિયાન હાથ ધર્યું છે. જેની શરૂઆત ગુજરાતથી થઈ રહી છે. ત્યારે આ અભિયાનના ભાગ રૂપે રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પહેલા અમદાવાદમાં બેઠક યોજાશે અને 16 એપ્રિલે અરવલ્લીમાં બેઠક યોજાશે. રાહુલ ગાંધી રાષ્ટ્રીય નેતાઓ અને નિરીક્ષકોની સાથે અમદાવાદમાં જ બેઠક યોજશે. રાહુલ ગાંધી 15 એપ્રિલે મોડાસામાં નિરીક્ષકો સાથે ઓરિએન્ટેશન બેઠક યોજવાના હતા પરંતુ હવે બેઠકને લઈ સ્થળમાં ફેરફાર કરાયો છે.

મોડાસામાં મળનારી બેઠક હવે અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ કાર્યલયમાં જ મળશે. જેમાં રાષ્ટ્રીય નેતાઓ અને નિરીક્ષકોની ઉપસ્થિતિ રહેશે. જ્યારે કોંગ્રેસની 16 એપ્રિલની બેઠક અરવલ્લીમાં યોજાશે, જેમાં રાષ્ટ્રીય નિરીક્ષકો હાજર રહેશે. રાહુલ ગાંધી 16 એપ્રિલે 'સંગઠન સર્જન અભિયાન' પ્રોજેક્ટનો પ્રારંભ કરાવશે. સાથે સાથે જિલ્લા અને પ્રદેશ સ્તરના આગેવાનો અને કાર્યકરો સાથે પણ સંવાદ સાધશે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, ''અરવલ્લીમાં રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં નિરિક્ષકોની બેઠક થશે અને ગુજરાતથી સંગઠન સ્તરનો પાયલટ પ્રોજેક્ટ શરૂ થશે. રાષ્ટ્રીય નેતાઓ અને કોંગ્રેસે નિમેલા નિરીક્ષકો જિલ્લા પ્રમુખના નામોને લઈ ચર્ચા કરશે તેમજ મોટા નેતાઓને જવાબદારી સોંપવામાં આવશે.