રાજકારણ@ગુજરાત: ચૂંટણી પ્રચારમાં ભાજપના ધારાસભ્ય ભાન ભૂલ્યા, કહ્યું 'શું તારા બાપાના પૈસે વિકાસ કરીશ'

 
ભાજપ
કુમાર કાનાણીના નિવેદનથી સ્થાનિક રાજકારણ ગરમાયુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પહેલા તબક્કામાં જ એવુ લાગી રહ્યું છે કે, શહેરની મૂળભૂત સમસ્યાઓને ભૂલીને ધારાસભ્યો, નેતાઓ, ઉમેદવારો વાણીવિલાસ પર ઉતરી આવ્યાં છે. ઉમેદવારોની પસંદગી પછી બધા રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી પડ્યાં| છે. ભાજપે સ્ટાર પ્રચારકોને કામે લગાડ્યાં છે, જ્યારે કોંગ્રેસ નેતાઓ હજુ ભૂગર્ભમાંથી બહાર આવ્યાં નથી. આપના નેતાઓ સુરત સહિત અમુક મત વિસ્તાર સુધી જ સિમિત બની શક્યા છે.

આ સંજોગો વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લાઈમલાઈટમાં આવવા ભાજપના ધારાસભ્યોના વિવાદાસ્પદ નિવેદનબાજીનો સહારો લેવો પડ્યો છે. ભાજપે ધારાસભ્યોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કામ સોંપ્યુ છે જેના ભાગરુપે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુમાર કાનાણી સુરતમાં ચૂંટણી પ્રચારમાં સક્રિય થયાં છે. તેણે જ્યારે સોશિયલ મીડિયા વિકાસ કાર્યો વિશે વાત કરી રહ્યા હતાં, ત્યારે આમ આદમી પાર્ટીના એક કાર્યકરે એવી રાજકીય ટીખળ કરીકે, પ્રજાના ટેક્સના પૈસે કામ કરો એમાં શું નવાઈ? આ જોઈ કાનાણી રીતસર ઉશ્કેરાઈ ગયા હતાં.

તેમણે કહ્યું કે, 'અમે પ્રજાના પેસે જ કામ કરીએ છીએ. યોગ્ય જગ્યાએ કામ કરીએ છીએ. પૈસા ખવાતાં નથી. પૈસાનો હિસાબ પણ આપીએ છીએ. પણ તું સત્તા પર આવીશે તો તારા બાપાના પૈસે વિકાસના કામો કરીશ.' કુમાર કાનાણીએ આ નિવેદન કરતાં સ્થાનિક રાજકારણ ગરમાયુ છે.બીજી તરફ ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી.કાકડિયાના પત્નિ કોકિલાબેન કાકડિયાએ પણ નિવેદનબાજી કરતાં ચર્ચાનો વિષય બન્યો છે. અમરેલી જિલ્લામાં ચૂંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. ત્યારે કોકિલાબેન ભાજપના સમર્થકો સાથે હાજર હતાં. તે વખતે તેમણે સરકારની કામગીરીના વખાણ કર્યાં સાથે સાથે એવું વિવાદાસ્પદ બોલ્યાંકે, ભાજપ સરકારે વિધર્મીઓના નાશ માટે ઝુંબેશ શરૂ કરી છે. આ નિવેદનને પગલે સ્થાનિકોએ ભાજપના ધારાસભ્યની પત્નિ સામે સવાલો કર્યા છે.

નેતાઓના વિવાદભર્યા બોલથી મતદારોની મૂંઝવણ વધી છે. રાજકોટમાં એક કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ એવો ચોંકાવનારુ નિવેદન કર્યું કે, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસનેતો ઉમેદવારો પણ જડતાં ન હતાં. આ કારણોસર ભાજપે કોંગ્રેસને ઉમેદવારો આપ્યા હતાં.