રાજકારણ@ગુજરાત: ભાજપે 3 જિલ્લાના નવા પ્રમુખોની સત્તાવાર જાહેરાત કરી, જાણો વધું

 
ભાજપ
નર્મદા જિલ્લાના સંગઠનમાં આ મોટા ફેરફાર પાછળ મોટો રાજકીય વિવાદ જવાબદાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

​​​​​​

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનાત્મક ફેરફારો કરતાં 3 જિલ્લાના નવા પ્રમુખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ નેતૃત્વ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સુરેશ ચૌધરી અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પરેશ લાડની વરણી કરવામાં આવી છે. રાજકીય રીતે અત્યંત ચર્ચાસ્પદ બનેલા નર્મદા જિલ્લામાં પ્રદેશ ભાજપે અનુભવી નેતા શબ્દ શરણ તડવીને જિલ્લા પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી સોંપી છે. નર્મદા જિલ્લાના સંગઠનમાં આ મોટા ફેરફાર પાછળ તાજેતરમાં થયેલો મોટો રાજકીય વિવાદ જવાબદાર માનવામાં આવી રહ્યો છે.

થોડા સમય પહેલાં નર્મદાના તત્કાલીન જિલ્લા પ્રમુખ નીલ રાવ અને સ્થાનિક ધારાસભ્ય દર્શના દેશમુખ વચ્ચે આંતરિક બાબતે ભારે ઘર્ષણ અને વિવાદ સર્જાયો હતો. આ વિવાદનો મામલો સ્થાનિક સ્તરે ઉકેલાવાને બદલે વધુ વણસ્યો હતો અને છેવટે આખી બાબત પ્રદેશ ભાજપ મોવડીમંડળના દરબાર સુધી પહોંચી હતી. ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ વચ્ચેના આંતરિક વિવાદના કારણે સંગઠનમાં પડેલી તિરાડને પૂરવા માટે પ્રદેશ ભાજપે આકરો નિર્ણય લેવો પડ્યો હતો. પ્રદેશ નેતૃત્વએ વિવાદિત બનેલા નીલ રાવને હોદ્દા પરથી હટાવીને તેમની જગ્યાએ શબ્દ શરણ તડવીને નવા પ્રમુખ બનાવ્યા છે.