રાજકારણ@ગુજરાત: રાજ્યભરમાં 21મી ઓગસ્ટથી શરુ થશે Bjpનું સદસ્યતા અભિયાન, જે 45 દિવસ ચલાવાશે
અનેક લોકોને પાર્ટીના સભ્યો બનાવવામાં આવશે.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાજપ સદસ્યતા અભિયાનને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. ભાજપનું સદસ્યતા અભિયાન 3 દિવસ બાદ શરુ થશે. 21મી ઓગસ્ટથી રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન શરૂ થશે, જે 45 દિવસ સુધી ચલાવવામાં આવશે. ગાંધીનગર ખાતે સદસ્યતા અભિયાનને લઈને ભાજપની મહત્વની બેઠક મળશે અને આ બેઠકમાં તમામ ધારાસભ્યો, સાંસદો હાજર રહેશે.
ભાજપે સદસ્યતા અભિયાન માટે કમિટીની રચના કરી છે. ભારતીય જનતા પાર્ટીએ કૂલ 6 સભ્યોની કમિટીની રચના કરી છે અને ભાજપનું આ સદસ્યતા અભિયાન રાજ્યભરમાં 45 દિવસ સુધી ચાલશે અને અનેક લોકોને પાર્ટીના સભ્યો બનાવવામાં આવશે. ત્યારે દેશ વ્યાપી ભાજપનું સદસ્યતા અભિયાન આગામી 1 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાર્ટીએ 10 કરોડથી વધુ લોકોને પોતાના સભ્ય બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યુ છે. ત્યારે જમ્મુ-કાશ્મીર, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓને લઈ આ રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવશે.
દેશમાં કૂલ બે તબક્કામાં અભિયાન યોજાશે, જેમાં પ્રથમ તબક્કામાં આ અભિયાન 1થી 25 સપ્ટેમ્બર સુધી અને બીજા તબક્કા 1થી 15 ઓક્ટોબર સુધી ચલાવવામાં આવશે અને ત્યારબાદ પાર્ટી 16 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર વચ્ચે સક્રિય સભ્યપદ અભિયાન ચલાવશે. ત્યારે 1થી 10 નવેમ્બર સુધી પ્રાથમિક અને સક્રિય સભ્યોનું સભ્યપદ રજિસ્ટર તૈયાર કરાશે.