રાજકારણ@ગુજરાત: કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ, જાણો વિગતે
અધ્યક્ષે જણાવ્યું હતું કે, પહેલેથી નક્કી કરી બેનર બતાવો તે યોગ્ય નથી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે આ દરમિયાન વિધાનસભા અધ્યક્ષ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજે ટૂંકી મુદ્દતના પ્રશ્નો રદ્દ થવા બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રશ્ન ઉઠાવાયા હતા. આ સાથે બેનર સાથે ગૃહમાં દેખાવો કર્યા બાદ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ વોક આઉટ કર્યુ હતું.
વિધાનસભામાં હોબાળા સાથે ચોમાસું સત્રની શરૂઆત થઈ છે. બેઠકની શરૂઆતમાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોના ટૂંકી મુદ્દતના પ્રશ્નો રદ્દ થતાં પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. સરસ્વતિ સાધના યોજના સહિતના 18 પ્રશ્નો રદ્દ થવા બાબતે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો. જેને લઈને અધ્યક્ષે જણાવ્યું હતું કે, નિયમ વગર કામ ન કરી શકાય, કાર્યવાહી વિધાનસભાના નિયમો પ્રમાણે ચાલે છે, હું ચર્ચા કરવાનો મોકો આપીશ.
આ તરફ પ્રશ્નો રદ થતાં કોંગ્રેસના ધારાસભ્યોએ બેનર દર્શાવ્યા હતા. જેને લઈને અધ્યક્ષે જણાવ્યું હતું કે, પહેલેથી નક્કી કરી બેનર બતાવો તે યોગ્ય નથી. આ તરફ વિધાનસભા અધ્યક્ષે સાર્જન્ટને બેનર લઈ લેવા સૂચના આપી હતી. જેને લઈને કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહ માંથી વોક આઉટ કર્યું છે.આ સાથે લોકશાહીની હત્યા બંધ કરો ના સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરાયો હતો.