રાજકારણ@ગુજરાત: મંત્રીમંડળના વિસ્તરણને લઈ કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો, જાણો વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત સરકારના મંત્રીમંડળના નવા મંત્રીઓની શપથવિધિ માટેની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આ બધાની વચ્ચે કોંગ્રેસે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અમિત ચાવડાએ મંત્રીમંડળના વિસ્તરણ અંગે આકરી પ્રતિક્રિયા આપી છે.ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણના પગલે કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા આપી છે અને અનેક સવાલો ઉઠાવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ વિસ્તરણને લઈને સવાલો ઉઠાવ્યા છે. તેમણે ખાસ કરીને મંત્રીમંડળમાંથી પડતા મુકાયેલા મંત્રીઓ અંગે પ્રશ્નો કર્યા છે.
અમિત ચાવડાએ સરકાર પાસે સ્પષ્ટતા માગતા કહ્યું કે, જેમનો મંત્રીમંડળમાં ફરી સમાવેશ ન કરાયો તેનું ચોક્કસ કારણ સરકાર જણાવે. અગાઉના મંત્રીઓના રાજીનામા કેમ લેવાયા તેનું પણ સરકાર કારણ આપે. ચાવડાએ બચુ ખાબડ જેવા મંત્રીના ભ્રષ્ટાચારનાં દાખલા લોકો સામે હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસે આ વિસ્તરણને લઈને સરકારની નીતિ અને પડતા મુકાયેલા મંત્રીઓના પરફોર્મન્સ પર સવાલો ઉઠાવી, સરકાર પર પ્રહાર કર્યા છે.ગુજરાતના રાજકારણને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલના નિવાસ સ્થાને મળેલી મહત્વની બેઠક પૂર્ણ થઈ છે. મુખ્યમંત્રી સાથે તમામ મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા છે. મુખ્યમંત્રી સિવાય તમામ 16 મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા છે.