રાજકારણ@ગુજરાત: અમદાવાદ પહોચી કોંગ્રેસની ન્યાયયાત્રા, સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થનાસભામાં જોડાશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત કોંગ્રેસ દ્વારા 9 ઓગસ્ટથી મોરબીથી ન્યાય યાત્રા કાઢવામાં આવી હતી, જે આજે સવારે 22મી ઓગસ્ટે સાણંદ ચોકડી, સરખેજ પહોંચી છે અને ત્યારબાદ ચાંદખેડા તરફ રવાના થશે. 300 કિલોમીટરની ન્યાય યાત્રા મોરબીથી શરુ કરીને ગાંધીનગર ખાતે પહોંચશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મોરબીથી શરુ કરીને રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને છેલ્લે અમદાવાદથી ગાંધીનગર સુધીનો પદયાત્રાનો રૂટ રહેશે.
આજે બપોરે 3:00 વાગે રાજીવ ગાંધી ભવનથી સાબરમતી આશ્રમ સુધી પદયાત્રા કાઢવામાં આવશે. આ પદયાત્રામાં લોકો ભાજપ સરકારમાં થયેલા ભ્રષ્ટ્રાચાર, અને તાજેતરમાં સેબી અંગેના હિડનબર્ગ રિપોર્ટમાં ઉજાગર થયેલા કૌભાંડના પ્લે-કાર્ડ સાથે જોડાશે. ત્યારબાદ સાંજે 5:30 કલાકે સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થનાસભામાં જોડાશે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસે રસ્તા પર જઇને લોકોની વચ્ચે જઇને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે.
અતિવૃષ્ટિથી નુકસાન, પાણી ભરાવવાની સમસ્યા જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખી ન્યાય યાત્રા શરૂ કરી હતી. જ્યાં સરકાર લોકોના પ્રશ્નોને સાંભળતી નથી, ત્યાં કોંગ્રેસની ન્યાય યાત્રાના કારણે સરકારે એક્શનમાં આવી લોક સંવાદ કરવો પડ્યો. તેમણે વધુમાં કહ્યું હતું કે ન્યાય યાત્રામાં એક ઘડો રાખવામાં આવ્યો હતો. જેમાં લોકોના પ્રશ્નો મેળવ્યા છે, આ પ્રશ્નોને કોંગ્રેસના નેતાઓ સરકાર સુધી પહોંચાડશે. અમને સંતોષ છે કે કોંગ્રેસ પાર્ટીએ અવાજ ઉઠાવ્યો, જેને લોકોનો અવાજ સંભળાતો ન હતો તેમને સામેથી લોકોનો સંપર્ક કરવો પડ્યો.